Gujarat

મોકરિયાને તો બોલવાનું ભાન ન રહ્યું, નયનાબેન માંડ એક્ટિવાએ પહોંચ્યાં, રૂપાલા સહિતના ભાજપના નેતાઓએ મુઠ્ઠીઓ વાળી

સળગતી લાશો પાસે તમે શું કરતા હતા એ જાણવાનો અમને જરા પણ રસ નથી. લાશો શું કામ સળગી એ જાણવામાં અમને રસ છે. આજે રાજકોટમાં મીડિયાએ આ સવાલ ભાજપના સાંસદ રામ મોકરિયાને પૂછ્યો હતો, પરંતુ આ સવાલથી તેઓ ઊકળી ઊઠ્યા અને જણાવ્યું હતું કે તમે અલગ-અલગ યાર પ્રશ્ન પૂછશો?

ઘડીકમાં આમાં રસ નથી, કહી ઊભા થઈને હાલતી પકડી. તેઓ જતાં જતાં બોલ્યા, સરકાર નક્કી કરશે. તો બીજી તરફ રાજકોટનાં મેયર નયનાબેન પેઢેડિયાને પૂછ્યું કે આપ રાજકોટનાં પ્રથમ નાગરિક છો, કેમ સવાલના જવાબ નથી આપતાં? રાજકોટની જનતા આગમાં હોમાઈ છે. જનતા તમારી પાસેથી જવાબ માગે છે. તમે કેમ ભાગો છે? કોઈનું પ્રેશર છે?

ભાજપનો અસલી ચહેરો સામે આવ્યો

રાજકોટ શહેરમાં ગત 25 મે, 2024ના રોજ થયેલા અગ્નિકાંડ બાદ આજે શહેર ભાજપના નેતાઓ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઈ પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ-કોન્ફરન્સમાં જ રાજકોટ ભાજપનો અસલી ચહેરો સામે આવ્યો હતો. લગભગ કલાક સુધી ભાજપના નેતાઓ અને મીડિયા વચ્ચે ફિલ્મી ડ્રામા ચાલ્યો હતો.

ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે 18મી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે, જેનો સાતમો તબક્કો પણ પહેલી તારીખે પૂર્ણ થવાનો છે અને 4થી તારીખે તેનું પરિણામ પણ આવવાનું છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ પરિણામ બાદ કોઈપણ ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે. જે કાર્યકર્તાને મતગણતરી સમયે જે જવાબદારી સોંપવામાં આવી છે તેઓ ત્યાં હાજર રહેશે. કોઈપણ શુભેચ્છકો કે ટેકેદારો અહીં હાજર ન રહે એવી અપીલ કરું છુ. એકદમ સાદગીપૂર્વક રીતે આખો ચૂંટણી પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલાસાહેબની પણ લાગણી છે.