Sports

ISISએ ધમકીભર્યો વીડિયો જાહેર કર્યો, T-20 વર્લ્ડ કપની આ મેચ 9 જૂને ન્યૂયોર્કમાં યોજાશે

ISIS ખોરાસાને ધમકીભર્યો વીડિયો જાહેર કરીને ભારત-પાકિસ્તાનની મેચ પર ‘લોન વુલ્ફ’ એટેક (એક જ હુમલાખોર દ્વારા કરવામાં આવતો હુમલો) કરવાની ધમકી આપી છે.

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 9 જૂને ન્યૂયોર્કના આઈઝનહોવર પાર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હુમલાની ધમકી બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાનની તમામ મેચ અમેરિકામાં યોજાશે

T-20 વર્લ્ડ કપમાં દરેક 5 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા પણ આ ગ્રુપમાં છે. ભારત અને પાકિસ્તાન તેમની તમામ મેચ અમેરિકામાં જ રમશે.

ભારતની પ્રથમ 3 મેચ ન્યૂયોર્કમાં અને ચોથી મેચ ફ્લોરિડામાં રમાશે. ટીમ પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે, બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે અને ચોથી મેચ 15 જૂને કેનેડા સામે રમશે.

ન્યૂયોર્કના આઈઝનહોવરમાં હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટેનું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે, જે માર્ચ 2024 સુધી સામાન્ય પાર્ક હતું.

ન્યૂયોર્કના ગવર્નરે કહ્યું- વર્લ્ડ કપને લઈને કોઈ ગંભીર ખતરો નથી

ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચેલે કહ્યું- વર્લ્ડ કપને લઈને કોઈ ગંભીર ખતરો નથી. જોકે, તેમણે પોલીસ વિભાગને સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવા જણાવ્યું છે. વહીવટીતંત્ર દરેક પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.