લોકસભા ચૂંટણીની મતગણતરી આગામી તારીખ 4 જૂનના રોજ મંગળવારે યોજાનાર છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી કાલાવડ રોડ પર આવેલી કણકોટ ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ ખાતે યોજાનાર છે. આ દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ભારે-વાહનો માટે પ્રવેશબંધી
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ ઝાએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, આગામી 4 જૂનના રોજ મતગણતરી યોજાનાર છે, માટે સવારના 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જાહેરનામું અમલમાં રહેશે.
જેમાં ઘોડાધાર મંદિર (સુર્યમુખી ચોક)થી ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજથી પાટીદાર ચોક સુધીના રસ્તા પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી રહેશે. તેમજ આદ્યાશક્તિ ટી-સ્ટોલથી ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજથી પાટીદાર ચોક સુધી ભારે-વાહનો માટે પ્રવેશબંધી રહેશે.
વૈકલ્પીક રૂટ આ મુજબ રહેશે
ઘોડાધાર મંદિર (સુર્યમુખી ચોક)થી ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજથી પાટીદાર ચોક તરફ જવા માંગતા વાહનો કણકોટ રોડથી કાલાવાડ રોડ કોસ્મો ચોકડીથી નવા 150 ફુટ રીંગરોડથી પાટીદાર ચોક તરફ જઈ શકશે.
પાટીદાર ચોક નવો 150 ફુટ રીંગરોડથી ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજથી કણકોટ રોડ ઘોડાધાર મંદિર તરફ જવા માંગતા વાહનો પાટીદાર ચોકથી નવા 150 ફુટ રીંગરોડથી કોસ્મો ચોકડીથી કાલાવાડ રોડ કણકોટ રોડ તરફથી જઈ શકશે. જ્યારે ઘોડાધાર મંદિર ચોકથી સિટી લાઈટ પાર્ટી પ્લોટ સુધીના રોડની બન્ને સાઈડ ‘નો-પાર્કિગ’ જાહેર કરવામાં આવે છે.
પાર્કિંગ વ્યવસ્થા આ મુજબ રહેશે
બાલવી ગેરેજની પાછળના ખુલ્લા ગ્રાઉન્ડ તથા સામેના ગ્રાઉન્ડમાં ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે. જ્યારે જે.કે. હોસ્ટેલની આજુબાજુ તથા પાછળની સાઈડે ગ્રાઉન્ડમાં ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે. પાટીદાર ચોકથી આગળ આવતા ફિલ્ડ માર્શલ વાડીના ગ્રાઉન્ડમાં ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે.
તેમજ ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજના મેઈન ગેટ સામે ખુલ્લા ગ્રાઉન્ડ અને પ્રિન્સિપાલના બંગલાની બન્ને સાઈડ સરકારી અધિકારી, કર્મચારી અને એજન્ટ પોતાના વાહન પાર્ક કરી શકશે.

