Sports

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની પોતાની પહેલીજ મેચમાં રોહિત શર્માએ ૩ સિક્સર ફટકારીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયાની શાનદાર શરૂઆત

આયર્લેન્ડ વિરુદ્ધ ટી૨૦ વર્લ્ડ કપની મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની પોતાની પહેલી જ મેચમાં તેણે ૩ સિક્સર ફટકારીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે સિક્સર ફટકારવાની બાબતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા આંકડાને સ્પર્શ કર્યો છે જેની નજીક કોઈ અન્ય બેટ્‌સમેન નથી. જોકે હિટમેને આ મેચમાં ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

રોહિત શર્માએ ટી૨૦ વર્લ્ડ કપમાં ૧૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ પહેલા ભારતીય ખેલાડી વિરાટ કોહલી અને શ્રીલંકાના ખેલાડી મહેલા જયવર્દનેએ આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ૧૧૪૨ રન બનાવ્યા છે અને મહેલા જયવર્દને ટી૨૦ વર્લ્ડ કપમાં ૧૦૧૬ રન બનાવ્યા છે.

રોહિત શર્માએ ઓપનિંગ બેટ્‌સમેન તરીકે ઇનિંગની શરૂઆત કરી અને ટી૨૦ ક્રિકેટમાં ૪૦૦૦ રન પૂરા કર્યા. આવું કરનાર તે વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે. તેના પહેલા આ કારનામું ભારતીય ખેલાડી વિરાટ કોહલી અને પાકિસ્તાની ખેલાડી બાબર આઝમે કર્યું હતું. વિરાટ કોહલીના ટી૨૦ ક્રિકેટમાં ૪૦૩૮ રન છે જ્યારે બાબર આઝમે ટી૨૦માં કુલ ૪૦૨૩ રન બનાવ્યા છે. રોહિત શર્માએ પોતાની ૧૫૨મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. રોહિતે સૌથી ઓછા બોલ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ ૪૦૦૦ રન પૂરા કરવા માટે ૨૮૬૧ બોલ રમ્યા છે.

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમી હતી. રોહિત શર્માએ આ મેચમાં ૩ સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૦૦ સિક્સર પૂરી કરી લીધી છે. તે ૬૦૦ સિક્સર મારનાર વિશ્વનો નંબર-૧ બેટ્‌સમેન બની ગયો છે. તેના પહેલા કોઈ પણ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૦૦ સિક્સર ફટકારી શક્યો ન હતો. વળી, ક્રિસ ગેલ આ મામલે બીજા સ્થાને છે.

તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૫૩ સિક્સર ફટકારી છે. તેના પઠી ત્રીજા નંબરે પાકિસ્તાનનો ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી છે. જેણે ૪૭૬ સિક્સર ફટકારી છે. જણાવી દઇએ કે, આ મેચમાં રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી અને ટીમને જીત અપાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો.