Gujarat

રાજકોટનાં પ્રખ્યાત ઈશ્વરભાઈ ઘુઘરાવાળાને ત્યાં 140 કિલો અખાદ્ય ચટણીનો જથ્થો ઝડપાયો, અધિક કલેક્ટરે રૂ. 1.50 લાખનો દંડ ફટકાર્યો

રાજકોટમાં મનપા અને કલેક્ટર તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના ઈશ્વરભાઈ લાલજીભાઈ કાકુ (ઈશ્વરભાઈ ઘુઘરાવાળા)ને ત્યાંથી 140 કિલો અખાદ્ય ચટણીનો જથ્થો મનપાનાં ફુડ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ અંગેનો કેસ આજે અધિક કલેકટરની ફૂડ કોર્ટમાં ચાલતા ઈશ્વરભાઈ ઘુઘરાવાળાને દોઢ લાખનો દંડ અધિક કલેકટર ચેતન ગાંધી દ્વારા ફટકારવામાં આવ્યો હતો.

ચટણીમાં કલરની ભેળસેળ

મળતી માહિતી અનુસાર રાજકોટના કોઠારીયા નાકા ખાતે આવેલ ઈશ્વરભાઈ લાલજીભાઈ કાકુને ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશના ફુડ વિભાગ દ્વારા કરાયેલી ચકાસણી દરમિયાન 140 કિલો અખાદ્ય ચટણીનો જથ્થો મળી આવ્યો હતો.

જે બાદ આ અખાદ્ય ચટણીના સેમ્પલ લેબમાં ટેસ્ટિંગમાં મોકલાતા તેના રિપોર્ટમાં કલરની ભેળસેળ ખુલી હતી. આ કેસ જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક કલેકટર ચેતન ગાંધીની ફૂડ કોર્ટમાં ચાલી જતા અધિક કલેકટર ચેતન ગાંધી દ્વારા ઈશ્ર્વરભાઈ ઘુઘરાવાળાને દોઢ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.