Gujarat

ચેકીંગના નામે દંડનો ટ્રાવેલ્સ ઓપરેટરોનો આક્ષેપ, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

જામનગરના એસટી વિભાગના અધિકારીઓ ચેકીંગના નામે દંડ કરતા હોવાના આક્ષેપ સાથે જામનગર ટ્રાવેલ ઓપરેટર એસોસિએશને કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર નાઘેડી પાસે એસટી વિભાગના અધિકારી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા સીઓ ચેકીંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલક સાથે બોલાચાલી પછી એસટીના અધિકારી પર હુમલો થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેની સામે ગુરૂવારે જામનગર ટ્રાવેલ ઓપરેટર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

જેમાં જણાવ્યાનુસાર એસટીના અધિકારી મહિનામાં દસ દિવસ બહાર વખત ચેકીંગના બહાને ખાનગી ટ્રાવેલ્સની બસોને પોલીસ અથવા આરટીઓ પાસે ડીટેઈન કરાવે છે. દર મહિને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા કરોડો રૂપિયા ટેક્સપેટે ચૂકવવામાં આવે છે.

આમ છતાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને પરેશાનીનો ભોગ બનવું પડી રહ્યું છે. પરમીટ રેગ્યુલર કરવા બાબતે કોઈ કાર્યવાહી થતી નથી. તેથી પરમીટ રેગ્યુલર કરી આપવા પણ માગણી કરી છે.