Gujarat

મલ્લિકાર્જુન ખડગેનો રાજ્યસભામાં પીએમ મોદી પર કટાક્ષ, કહ્યું- સરકારના ૧૭ મંત્રીઓ હારી ગયા

રાજ્યસભામાં સોમવારે કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે વાસ્તવમાં બંધારણ દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં દલિતો અને લઘુમતીઓ માટે કંઈ નથી. આ અગાઉ તેમણે ૧ જુલાઈથી અમલમાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે મોદીએ કહ્યું હતું કે એક અકેલા સબ પે ભારી નથી હકીકતમાં બંધારણ બધાથી ચડિયાતું છે. તેમણે કહ્યું કે ૨૦૨૪ની ચૂંટણી અહંકારને તોડી પાડનારી હતી. તેઓ અમને ઘમંડી કહેતા હતા, પરંતુ તેમનું અભિમાન તૂટી ગયું હતું. તેમણે કહ્યું કે અગાઉની સરકારના ૧૭ મંત્રીઓ હારી ગયા. લોકશાહીમાં ઘમંડીઓના નારાઓને કોઈ સ્થાન નથી.
કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ સંસદનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.

આ વર્ષે રાષ્ટ્રપતિનું પહેલું ભાષણ જાન્યુઆરીમાં અને બીજું જૂનમાં થયું હતું. પહેલું ભાષણ ચૂંટણી માટે હતું અને બીજું તેની નકલ. તેમના ભાષણમાં દલિતો, લઘુમતી વર્ગો અને પછાત વર્ગો માટે કંઈ જ નહોતું. તેમણે કહ્યું, ‘સંસદને રાષ્ટ્રપતિના સંબોધનમાં ન તો કોઈ વિઝન છે કે ન કોઈ દિશા.’ તેમણે કહ્યું, ‘ગયા વખતની જેમ, બધાએ સરકારના વખાણ કર્યા હતા.

દેશભરમાં આજથી અમલમાં આવેલા ત્રણ ફોજદારી કાયદાઓને લઇને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સાંસદોને સસ્પેન્ડ કરીને ફોજદારી કાયદાઓ બળજબરીથી પસાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધન સંસદીય પ્રણાલી પર બુલડોઝર જસ્ટિસ નહિ ચાલવા દે. કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આ દિવસોમાં પીએમ મોદી અને ભાજપના લોકો બંધારણનું સન્માન કરવાનું નાટક કરી રહ્યા છે.