Gujarat

ઓલપાડ તાલુકાનું ગૌરવ: મીરજાપોર પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થી જેનીશ રાઠોડની NMMS પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ 

               સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની મીરજાપોર પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ જેનીશ હરીશભાઈ રાઠોડે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ઝળહળતો દેખાવ કરતાં આનંદ વ્યાપી ગયો હતો.
               પ્રતિવર્ષ તેજસ્વી તારલાઓને આગામી ભણતર માટે શિષ્યવૃત્તિ આપતી NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી ધોરણ 12 એટલે કે 4 વર્ષ સુધી દર વર્ષે રૂપિયા 12 હજાર એટલે કે કુલ રૂપિયા 48 હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ પરીક્ષા મીરજાપોર પ્રાથમિક શાળાનાં ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી જેનીશ હરીશભાઈ રાઠોડે મેરીટ સાથે પાસ કરી તે સદર શિષ્યવૃત્તિ મેળવવા હકદાર બનેલ છે. શાળાનાં આ પ્રતિભાવંત વિદ્યાર્થીનું તાજેતરનાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
               શાળા તેમજ ગામનું નામ રોશન કરનાર વિધાર્થી જેનીશ તથા તેનાં માર્ગદર્શક શિક્ષિકા સોનલ બ્રહ્મભટ્ટ સહિત આચાર્ય અંજના પટેલને સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, કેન્દ્ર શિક્ષક હિતેશ પટેલ (મોર), ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ (ભગવા), ઉપપ્રમુખ ચિરાગ પટેલ (જીણોદ), મહિલા ઉપપ્રમુખ જાગૃતિ પટેલ (કરંજ), એસ.એમ.સી. અધ્યક્ષ જીગીષા પટેલ, ગામનાં સરપંચ કૈલાશ પટેલ સહિત ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં.