Gujarat

અંધારકાચલા ગામે 500થી વધુ રહીશોને પીવાના પાણીના વલખાં

ઝઘડિયા તાલુકાના અંધાર કાછલા ગામના 500 લોકો ભર ચોમાસે પાણી માટે વલખા મારી રહયાં છે. ગામમાં પીવાનું પાણી મળી રહે તે માટે હાલમાં 5 બોરવેલ છે પરંતુ 4 બોરવેલમાં મોટર નથી. પાણીની સમસ્યાનો હલ નહિ આવતાં મહિલાઓ સહિતના ગ્રામજનોએ ઝઘડિયા ખાતે આવી અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગ્રામ પંચાયતના તાબા હેઠળના અંધાર કાચલા ગામમાં આશરે 500 માણસોની વસ્તી છે. જેમને પાણીની સમસ્યા હોય એક માસ પહેલા પણ આ બાબતે અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

પરંતુ કોઈ નિરાકરણ આજદિન સુધી આવ્યું નથી. તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે ધોળાકુવા ગ્રામ પંચાયતના અંધાર કાચલા ગામની વસ્તી આશરે 500 જેટલી થાય છે. અંધાર કાચલામાં હાલમાં પાંચ બોરવેલ છે, પરંતુ તે બોરમાં મોટરની સુવિધા નથી જેથી લોકોને સમયસર પાણી મળતું નથી. સરકારી ધારાધોરણ મુજબ એક વ્યક્તિને દૈનિક 40 લીટર પાણીની જરૂરિયાત હોવા છતાં તેમને પુરતા પ્રમાણમાં પાણી મળી રહયું નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે અંધાર કાચલા ગામમાં મહિલા સરપંચ છે તેમ છતાં તેમનો પતિ વહીવટ કરે છે અને તેના દ્વારા પાણીની મોટરો રીપેરીંગ કરવાના બહાને લઈ જઈ સગે વગે કરી આર્થિક ફાયદો મેળવેલ હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે અને જેના કારણે ગામમાં ફક્ત હાલમાં એક જ સિંગલ ફેઝ મોટર ચાલુ છે જેથી લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહયો છે.

એક માસ પહેલાં ટીડીઓને રજૂઆત કરી હતી ગ્રામજનોએ એક માસ અગાઉ ઝઘડિયા ના તાલુકા વિકાસ અધિકારીને અંધાર કાચલા ગામમાં પીવાના પાણીની થ્રી ફેઝ 10 એચપી ની બોરવેલ માટેની પ્રાથમિક સુવિધા મળે તે બાબતે રજૂઆત કરી હતી પરંતુ આજે તે રજૂઆતને એક માસ થવા આવ્યો હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા પાણીના પ્રશ્ન બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.