Gujarat

દેવભૂમિના ઘી ડેમ તથા સિંહણ ડેમમાં 5-5 ફૂટ નવું પાણી આવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પાંચ દિવસથી પડેલા ભારે વરસાદ પછી મેઘરાજાએ મંગળવારથી વિરામ લેતા ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઇ છે.સતત પાંચ દિવસ ઝાપટા એકથી માંડીને નવ ઇંચ સુધી વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર થઈ જતા પાકની સ્થિતિ પણ હજુતો ઉગતો જ હોય સતત પાણીથી પાકની સ્થિતિ ખરાબ થવા દહેશત હતી.

ત્યારે મંગળવારે આખો દિવસ સમગ્ર જિલ્લામાં ક્યાંય વરસાદ ના પડ્યો હતો તથા બપોર પછી અનેક વિસ્તારમાં સૂર્ય નીકળતા વરાપ નીકળતા ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઇ છે. બુધવારે સાંજ સુધી પણ જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી.

ખંભાળીયા શહેર તથા 23 ગામોને પીવાનું પાણી તથા અનેક ગામોમાં સિંચાઇની સગવડો પુરી પાડતા ઘી ડેમની સપાટી સાડા સાત ફૂટ થવા પામી છે. અગાઉ અઢી ફૂટ પાણી હતું. જ્યારે નવું પાંચ ફૂટ પાણી આવ્યુ હતુ. ડેમની સપાટી 20 ફૂટની છે તો જામનગર રોડ પરના સિંહણ ડેમમાં પણ પાંચ ફૂટ નવુ પાણી આવતા સપાટી સાડા આઠની થઈ છે.

દેવભૂમિના ચારેય તાલુકામાં તમામ તળાવો તથા નાના ચેકડેમો છલકાતા નયનરમ્ય દ્રશ્યો સાથે ભાણવડ બરડા ડુંગર તથા ખંભાળીયા, કલ્યાણપુર દ્વારકા તાલુકાઓમાં ઝરણાં વહેતા થઈ ગયા હતા.જેના કારણે નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા હતા.