દાંતા તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અંબાજી, હડાદ અને દાંતા પંથકમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દાંતા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે. હોસ્પિટલના અંદર સુધી પાણી આવતા સ્ટાફને તકલીફો પડી રહી છે. હોસ્પિટલના અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દર્દીઓને બેસવાની જગ્યાથી લઈને સ્ટાફને બેસવાની જગ્યાના નીચેના ભાગે પાણી આવી ગયું છે. દાંતા સિવિલ હોસ્પિટલ ખાડા વિસ્તારમાં આવેલું હોવાથી વરસાદી પાણી છેક અંદર સુધી આવી જાય છે. જેના કારણે ઓપીડી માટે આવતા દર્દીઓને અને ડોક્ટર સ્ટાફને તકલીફો પડી રહી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી તેનો નિકાલ આવ્યો નથી.
યાત્રાધામ અંબાજીમાં પણ અનેકો જગ્યાએ પાણીનો ભરાવો થયો છે. પાણીના ભરાવાને લઇ લોકો અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.