સરકારી પ્રાથમીક શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકો વર્ગ ખંડ અથવા શાળા કમ્પાઉન્ડમાં ઝાડુ મારતાં હોવાનું આપણે જોતા અથવા સાંભળતા આવ્યા છે. જોકે, મજૂરી કામ કરાવવાની માનસીકતાવાળા શિક્ષકોએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને જીવના જોખમે છત પર ઝાડુ મારી સફાઈ કરાવવાની કામગીરી કરાવાઇ હોવાનું વિડિયોમાં પકડાયું છે.
શાળા પ્રવેશઉત્સવના નામે તાયફા કરતા રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ સરકારી પ્રાથમિક શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ કાર્ય થતું હોવાની વાતો કરતા આવ્યા છે ત્યારે સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસની જગ્યાએ પતરાના સેડ પર ચડાવી ઝાડું મારવાની ઘટનાએ શિક્ષણ વિભાગને શર્મસાર કર્યો છે.
ઓલપાડ તાલુકાનું ગોથાણ ગામે રાજ્ય શિક્ષણ વિભાગની ધોરણ 1 થી 8 સુધીના બાળકોને શિક્ષણ આપતી સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે. સુરત મહાનગર પાલિકાનું હદવિસ્તરણ થતા ઓલપાડ તાલુકાના ગોથાણ ગામનો સુરત મહાનગર પાલિકામાં સમાવેશ થતાં હવે સુરત મહાનગર પાલિકા શિક્ષણ સમિતિના વહીવટમાં આવતા હવે સુરત મહાપાલિકા ના કતારગામ ઝોનની શાળા ગણાય છે.