Gujarat

એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરાવતા તાપી કલેકટર ડો. વિપિન ગર્ગ

તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગે આકાંક્ષી નિઝર અને કુકરમુંડા તાલુકાના સર્વાંગી વિકાસ માટે ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, આ તાલુકાઓને અન્ય તાલુકાઓના સમકક્ષ લાવીને શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, ખેતી સહિતના તમામ ઈન્ડિકેટર્સ પર પરિણામલક્ષી કામગીરી ‘પ્રજા-તંત્ર’ ની સહભાગીદારીથી શક્ય બનશે. વધુમાં કલેક્ટર શ્રી ગર્ગે જણાવ્યું કે, નિઝર અને કુકરમુંડા જેવા આકાંક્ષી તાલુકાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય પોષણ અને ખેતી મહત્વના પરિબળ છે.

આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થતા ‘ટેક હોમ રેશન’ જેમાં ધાત્રી-સગર્ભા બહેનો માટે માતૃશક્તિ, કિશોરીઓ માટે પૂર્ણા શક્તિ અને બાળકો માટે બાળ શક્તિનો ઉપયોગ કરીને પોષણ સ્તરમાં સુધારો લાવી શકાય છે. જેમાં કલેક્ટરશ્રીએ આંગણવાડી કાર્યકર બહેનોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી હતી.

આ પ્રસંગે કલેક્ટરશ્રી ગર્ગે જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને પણ કેટલાક રચનાત્મક સૂચનો આપીને સરકારની યોજનાકિય લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડીને આગામી ત્રણ મહિનામાં નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા તમામ પેરામીટર્સને તથા સો ટકા સેચ્યુરેશનને પરિપૂર્ણ કરવા માટે માર્ગદશિર્ત કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન. શાહે પણ આકાંક્ષી તાલુકાના નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવનશૈલી પ્રદાન કરવા માટે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રજાની ભાગીદારીને મહત્વલક્ષી ગણાવી હતી.

કાર્યક્રમમાં લાભાર્થી બહેનોને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે મહાનુભાવોએ આરોગ્ય, ખેતીવાડી, આઈસીડીએસ દ્વારા ઉભા કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનો લાભ લીધો હતો. ઉપરાંત, આંગણવાડી કાર્યકર બહેનોએ સ્ટોલની મુલાકાત લેતા ગ્રામજનોને વાનગી નિદર્શન થકી ટી.એચ.આર.માંથી તૈયાર કરવામાં આવેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવાની રીત વિશે માહિતગાર કર્યા હતા.

સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવીને કલેકટર શ્રી ગર્ગે નિઝર તાલુકા ખોડદા ખાતે આંગણવાડી, પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. આ તકે ગ્રામજનો સહિત ઉપસ્થિત સૌ મહેમાનો એસ્પિરેશનલ બ્લોકના સર્વાંગી વિકાસ માટે પોતાની સહભાગીદારી અદા કરવા માટે સામુહિક સંકલ્પબદ્ધ થયા હતા. કાર્યક્રમમાં દિલ્હીથી પધારેલ નિતિ આયોગના પ્રતિનિધિઓ, પ્રાંત અધિકારી શ્રી જયકુમાર રાવલ, આયોજન અધિકારીશ્રી કેતન પટેલ , ૈંઝ્રડ્ઢજી પ્રોગ્રામ ઓફીસર સુશ્રી તન્વી પટેલ, નિઝર-કુકરમુંડાના પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સર્વશ્રી, મામલતદાર સર્વશ્રી, સરપંચશ્રીઓ, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.