T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતને પહેલી જ મેચમાં ઝિમ્બાબ્વે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઝિમ્બાબ્વેએ હરારેમાં 5 T20 મેચની સિરીઝની પ્રથમ મેચ 13 રને જીતી લીધી હતી. ટીમના કેપ્ટન સિકંદર રઝા અને તેંડાઈ ચતારાએ 3-3 વિકેટ લીધી હતી.
શનિવારે ભારતે ટૉસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. વિકેટકીપર ક્લાઈવ મડાન્ડેએ અણનમ 29 રન બનાવ્યા હતા, તેણે 10મી વિકેટ માટે તેંડાઈ ચતારા સાથે 25 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.
ટીમ ઈન્ડિયા 19.5 ઓવરમાં 102 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. વોશિંગ્ટન સુંદર આખરે 27 રન બનાવીને આઉટ થયો હતો. આવેશ ખાને 16 રનનું યોગદાન આપ્યું હતું. બાકીના 8 બેટર્સમાંથી કોઈ પણ 7 રનથી વધુ રન બનાવી શક્યો નહોતો.