ગાંધીધામમાં કચ્છની સૌથી જુની રથયાત્રા નિકળે છે, ત્યારે ગતરોજ હજારો લોકોએ ગળપાદરથી રથયાત્રા કાઢી હતી, જે નિયમાનુસાર રેલવે કોલોનીએ મામાના ઘરે આરામ લેશે અને બહુડા યાત્રા આગામી 15મી જુલાઈના પરત નિકળશે, જેમાં પણ હજારો લોકો ભાગ લઈને ભગવાનને નિજગૃહ પહોંચાડશે.
અષાઢી બીજના પાવન પર્વ પર કચ્છી નવા વર્ષ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પણ પરંપરા છે, જેનું નિર્વહન ગાંધીધામમાં છેલ્લા ત્રણ દશકાથી પણ વધુ સમયથી થઈ રહ્યું છે. ગાંધીધામમાં અંદાજે ત્રીસેક હજાર જેટલા ઉડીયા સમાજના લોકો વસવાટ કરે છે ત્યારે ગત રોજ ‘જય જગન્નાથ’ ના નાદથી સંકુલ ગુંજી ઉઠ્યું હતું. ગળપાદરમાં ભગવાન જગન્નાથનું મંદિર બનાવાયું છે, ત્યાં છેલ્લા બે મહિનાથી ઓરીસ્સાથી ખાસ આવેલા કારીગરોએ 16 ફુટ ઉંચો ફોલ્ડેબલ રથ બનાવ્યો હતો. જેને પરંપરા અનુસાર રસ્સી દ્વારા ખેંચીને ભાવીકોએ ધન્યતા અનુભવી હતી.

