Gujarat

ઓરેન્જ એલર્ટ વચ્ચે કુંકાવાવ, વડીયા, લાઠીમાં ધોધમાર વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર; પાણી ફસાયેલી કાર અને બાઈકનું રેસ્ક્યૂ

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લામાં આજ વહેલી સવારે દરિયા કાંઠે ધોધમાર વરસાદ બાદ બપોર બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા કેટલાક ગામોમાં પાણી પાણી થઈ ગયા હતા.

અમરેલી જિલ્લામાં આવેલ વડીયાના લુણીધાર,જીથુડી,દેવગામમાં મૂશળધાર મેઘરાજાએ બેટિંગ કરતા પાણીના ધસમસતા પ્રવાહ ગામમાં અને નદીઓમાં કોઝવે પર ફરી વળતા ગામની બજારોમાં પાણી વહેતા થતા જેમાં જીથુડી ગામમાં કાર અને બાઇક પાણીના પ્રવાહમાં ફસાય જવાના કારણે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

જીથુડી ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. દેવગામ, લુણીધાર, જીથુડીમાં અનરાધાર મેઘો મનમૂકી વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. જેના કારણે ખેડૂતો ખુશ ખુશાલ થયા પરંતુ પાણી ભરાય જવાના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા .કુંકાવાવના બાદલપુર,ઇશ્વરીયા,સનાળા,બાંભણીયા,વાવડી રોડ,ભાયાવદર,લાખાપદારમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો.