દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે એકાદ સપ્તાહના મેઘ વિરામ બાદ આજ રોજ વાતાવરણ પલટાયું હતું. ખાસ કરીને ખંભાળિયા શહેરમાં આજ રોજ સાંજે સાડા ચાર વાગ્યે વંટોળિયો પવન ફૂંકાયો હતો અને ઠેર ઠેર કચરાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આજ રોજ સાંજે ખંભાળિયા – ભાણવડ પટ્ટીના માંઝા, ભટ્ટગામ, લલિયા, તથીયા વિગેરે ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ગામોમાં બેથી ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી જતાં ઠેર ઠેર પૂર જેવો માહોલ સર્જાયો હતો.

ખંભાળિયા શહેરમાં તેજ ફૂંકાયેલા પવન તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા ઝાપટાથી વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું. ભારે પવનના પગલે શહેરનાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લો વોલ્ટેજના પ્રશ્નો પણ ઉભા થયા હતા.