કુદરતી ઉર્જા સ્ત્રોતોના મૂલ્ય અંગે જાગૃતિ લાવવા અને અશ્મિભૂત ઇંધણ નિર્ભરતા ઘટાડવા માટે 2012 માં પ્રથમ ‘વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છની ભૂપરિસ્થિતિ સૌર અને પવન ઊર્જા માટે ઉત્તમ હોવાથી પુનઃપ્રાપ્ત ઊર્જા ઉત્પાદનનું હબ બની રહ્યું છે.
એક સમયે માત્ર વીજળી વાપરતું કચ્છ પવન તથા સૌર ઊર્જાની મદદથી મોટા પાયે વીજળીનું ઉત્પાદન કરે છે. અત્યારે કચ્છમાં ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો 538 ચો.કિમીમાં 30,000 મેગાવોટ વીજ ઉત્પાદનનો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ વિકસી રહ્યો છે.
હાલ 2 હજાર મેગાવોટ વીજળી ઉત્પાદન કરતો પ્રોજેક્ટ 2030 સુધીમાં 45,000 મેગાવોટ ઉત્પાદન કરશે.રણ, ડુંગરો અને દરિયો ધરાવતા કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ વિશિષ્ટ છે. ઓછો વરસાદ, ભરપૂર ગરમી અને ઠંડીના પ્રદેશમાં ઊર્જા ઉત્પાદન કરતો મહત્ત્વનો વિસ્તાર બન્યો છે આ સરહદી જિલ્લો. આગામી એક દાયકામાં કચ્છ 30 થી 40 હજાર મેગાવૉટ વીજ ઉત્પાદન કરતું થવાની ક્ષમતા ધરાવે છે. કચ્છના માંડવીના દરિયાકિનારે એશિયાનું પહેલું વિન્ડફાર્મ 1983માં સ્થાપવામાં આવ્યું હતું.
આજે ગુજરાતમાં જેટલી પવન ઊર્જા ઉત્પન્ન થાય છે. તેમાંથી કચ્છનો હિસ્સો ત્રીજા ભાગનો છે.2019માં કેન્દ્ર સરકારે ગુજરાતમાં 7 હજાર મે.વો. વીજળીના ઉત્પાદન માટે પવનચક્કીઓ લગાવવાની મંજૂરી આપી હતી, જેનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે. કચ્છમાં દેશ વિદેશના બે હજારથી વધુ રોકાણકારોએ પવન ઊર્જા ક્ષેત્રે ઝંપલાવ્યું છે.
ભારત ઉપરાંત ડેન્માર્ક, જર્મની, અમેરિકા અને ચીનની કંપનીઓએ કચ્છમાં પવનચક્કીઓ નાખી છે. જોકે ટૅક્નોલોજી બધી ડેન્માર્ક અથવા જર્મનીની છે. પુનઃપ્રાપ્ત ઊર્જા એ ગ્રીન અને ક્લીન ઊર્જા છે.
આ ઊર્જા ઉત્પાદનથી કાર્બન કે સલ્ફર બાયપ્રોડક્ટ તરીકે ઉત્પન્ન થતાં નથી, તેથી પ્રદૂષણ ઘટે છે. તેને ઉત્પન્ન કરવા માટે જોઈતી પવન અને સૌર ઊર્જા એ કુદરતી છે, એક વખત પવનચક્કી કે સોલાર પેનલ લગાવી દેવાય તો પછી મેન્ટેનન્સ સિવાય વિશેષ ખર્ચ આવતો નથી.