નવીન બનેલ M.G.V.C.Lની કચેરી ઉપર કોઈ નેતા નથી કોઈ અધિકારી નથી કે નથી લોકાર્પણની જાહેરાત કરવામાં આવી. તો પછી કેમ લોકો દરવાજા પાસે રીબીન બાંધીને ઊભા છે ? તો અહી ઉભેલા લોકોએ જણાવ્યું કે છેલ્લા ત્રણ માસથી 66 કેવીનું સબસ્ટેશન કરોડોના ખર્ચે તૈયાર કરી દેવામાં આવ્યું છે. છતાં તેનું લોકાર્પણ કરવામાં આવતું નથી. નેતાઓ અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી હવે મીડિયાના માધ્યમથી નેતાઓ અને અધિકારીઓ સુધી તેમની વાત પહોંચે તે માટે આ એક અખતરો કરી રહ્યા છે.

સરકાર વિકાસના કામો પાછળ કરોડોનો ખર્ચ તો કરે છે. પણ શું લોકોને તેનો લાભ મળે છે ખરો ? આવાજ મુદ્દે અમારી ટીમને બોડેલી તાલુકાના માંકણી ગામના લોકોએ જાણ કરી આ બાબતે ખરાઈ કરવામાં આવી તો ત્યાંના લોકો પૂજા પાઠનો સમાન દરવાજા પર રીબીન અને કાતર લઇને ઊભા હતા. અહી ઉભેલા લોકોને પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે કરોડોનો ખર્ચ કરી લાઈટની સુવિધા મળે તે માટે 66 કેવીનું સબ સ્ટેશન લોકોની માંગ મુજબ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મંજૂરી મળ્યા બાદ પણ ઘણા સમય સુધી ખાતમુહુર્ત કરવામાં ન આવતા આખરે ગામના લોકોએ જ એક વર્ષ પહેલા વિધિવત ખાતમુહુર્ત કરી નાખ્યું. અને ત્યારબાદ કામ ચાલુ થયું M.G.V.C.L દ્વારા મશીનરી પણ લગાવી દેવામાં આવી છે.પણ હવે લોકાર્પણની રાહ જોવાઇ રહી છે. તંત્રમાં અને નેતાને રજૂઆતો કરી પણ કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નથી. હવે તેઓ લોકાર્પણ પણ કરી દેવાની તૈયારી બતાવી રહ્યા છે.

આ વિસ્તારના લોકો એટલા માટે આવું કરી રહ્યા છે. કે તેમના વિસ્તારમાં પૂરતા વીજ પુરવઠાના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. રોજ રાત્રીના સમયે લોકો અંધારા ઉલેછી રહ્યા છે. દિવસે પણ માંડ બે ચાર કલાક વીજ પુરવઠો મળે છે.આ એકલા માંકણી ગામની સમસ્યા નથી લગભગ 15 થી 20 ગામના લોકોની સમસ્યા છે. સરકાર દ્વારા જે માંગણી કરી અને સરકારે કરોડોનો ખર્ચ કરીને 66 કેવીનું સબસ્ટેશન બનાવી તો દીધું પણ આજે શોભાના ગાઠિયા સમાન જ છે. લોકોને હતું કે તેમની સમસ્યાનું નિવારણ આવી ગયું પણ આજે આ 66 કેવીના સબસ્ટેશન દ્વારા લોકાર્પણ કરી વીજપુરવઠો ચાલુ કરવામાં આવે તેની રાહ જોવાઇ રહી છે.
આ વિસ્તારના લોકોએ ખાતમુહૂર્ત તો અગાઉ કરી નાખ્યું હતું. હવે જયારે નેતાઓ અને અધિકારીઓ પાસે જો સમય ના હોય તો તેઓ લોકાર્પણ પણ કરી નાખે તેવી તૈયારી બતાવી છે. હવે અહેવાલ તંત્ર ધ્યાને લે અને આ વિસ્તારના લોકોને અપૂરતા વીજ પુરવઠાને લઇ કરોડોનો ખર્ચ કરીને બનાવવામાં આવેલ સબસ્ટેશનની લોકાર્પણ જરી લોકોની પડતી હાલકી દૂર કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

