Gujarat

ગાયના દૂધની સાથે પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ઉગાડેલા ફળો અને શાકભાજીની હોમ ડિલિવરી કરી ડબલ આવક મેળવી

ઓનલાઈન વેબસાઇટ પરથી તમે અનેક વસ્તુઓની ઘરે બેઠા ખરીદી કરી શકો છો. પણ ગાયનું દૂધ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતરમાં ઉગાડેલા શાકભાજી અને ફળોની હોમ ડિલિવરી વિષે નહિ સાંભળ્યું હોય.

જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા લખમણભાઈ નકુમ જામનગર શહેરમાં દેશી ગાયનું દૂધ તેમજ પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ઉગાડેલા ફળો અને શાકભાજીની તેમજ મગફળીનું વાવેતર કરે ત્યારે શુધ્ધ મગફળીનું તેલ લોકોના ઘર સુધી કોઈપણ ડિલિવરી ચાર્જ લીધા વગર પહોંચાડે છે. પોતાના 14 વીઘા ખેતરમાં તેઓ બારેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

જેમાં લખમણભાઈ શાકભાજી, ઘાસચારો, ફળોનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે. તેમની પાસે અંદાજિત 22 જેટલી દેશી ગાયો છે. જેનું ગૌમૂત્ર, છાણ તેમજ ખાટી છાશ એકત્ર કરી તેઓ જંતુનાશકો તરીકે જમીનમાં છંટકાવ કરે છે. જેનાથી રાસાયણિક ખાતર પાછળ પૈસા ખર્ચ થતાં નથી. તેમજ સંપૂર્ણ કુદરતી રીતે પાકનું ઉત્પાદન થયું હોવાથી વધારે ભાવ મળતા તેઓની આવક બમણી થઈ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ.20,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂ.1000 લાખની રકમ ફાળવવામાં આવી છે.