ધોળકીયા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે બાબરા, લાઠી અને લીલીયા તાલુકામાં ગાગડીયો નદી પર 30 ચેકડેમની હાળમાળા સર્જી દેવાતા ગઈકાલના 4 ઈંચ વરસાદના પગલે 35 કિ.મીનો પટ્ટ હવે 1500 કરોડ લીટર પાણીથી લબાલબ ભરેલો છે. આઝાદી બાદ આ વિસ્તારમાં પ્રથમ વખત આવું વિરલ દ્રશ્ય સર્જાયું છે.
ગઈકાલે લાઠી થતા આસપાસના વિસ્તારમાં માત્ર 3 કલાકના ગાળામાં 4 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે ગાગડીયો નદીમાં ભારે પુર આવતા આ તમામ ચેકડેમો છલકાય ગયા છે.
બાબરાના વાંડળીયાથી લઈ લાઠીના હરસુરપુર દેવળીયા, દુધાળા લઈ લીલીયાના બોડીયા ગામ સુધી 35 કિ.મીના ગાગડીયા નદીના પટ્ટ વિસ્તારમાં વિશાળ કદના 30 ચેકડેમ તૈયાર કરવામાં આવ્યા છે. સવજીભાઈ ધોળકીયા આ જળસંચય માટે છેલ્લા 7 વર્ષથી મહેનત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રવૃત્તિને પગલે તેમને પદ્મશ્રી એવોર્ડ પણ અપાયો છે.
તાજેતરમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલે પણ આ જળસંચયની પ્રવૃત્તિ નિહાળવા માટે રૂબરૂ મુલાકાત કરી હતી. પાછલા થોડા સમય ગાળામાં જ લીલીયા તાલુકામાં બે વિશાળ ચેકડેમો તૈયાર કરી લેવાયા છે.
આ જળસંચયથી આસપાસના 100 ગામોના લોકોને લાભ થઈ રહ્યો છે. આઝાદી કાળથી આ નદી છીછરી હતી. જો કે હવે 300 ફૂટ પહોંળી અને 10 થી લઈ 25 ફૂટ સુધી ઉંડી બની ગય છે.

