અડદનું વાવેતર ૫.૩૭ લાખ હેક્ટરમાં પહોંચ્યું છે, જે ગયા વર્ષે ૩.૬૭ લાખ હેક્ટર હતું
ગ્રાહક બાબતોના વિભાગના સતત પ્રયત્નોને પરિણામે અડદના ભાવમાં નરમાઈ આવી છે, કેન્દ્ર સરકારનાં સક્રિય પગલાં ગ્રાહકો માટે કિંમતો સ્થિર કરવામાં મહત્ત્વપૂર્ણ રહ્યાં છે, જ્યારે ખેડૂતો માટે અનુકૂળ ભાવ પ્રાપ્તિ સુનિશ્ચિત કરવામાં આવ્યાં છે.
સારા વરસાદની અપેક્ષાથી ખેડૂતોનું મનોબળ વધવાની આશા છે, જેના કારણે મધ્ય પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા મુખ્ય અડદ ઉત્પાદક રાજ્યોમાં સારા પાકનું ઉત્પાદન થશે. ૦૫ જુલાઈ ૨૦૨૪ના રોજ સુધી અડદનું વાવેતર વિસ્તાર ૫.૩૭ લાખ હેક્ટરમાં પહોંચી ગયો છે, જે ગયા વર્ષે સમાન સમયગાળા માટે ૩.૬૭ લાખ હેક્ટરમાં હતું. આ વર્ષે ૯૦ દિવસના પાકમાં તંદુરસ્ત ખરીફ ઉત્પાદન થવાની અપેક્ષા છે.
ખરીફ વાવણીની મોસમ પૂર્વે નાફેડ અને એનસીસીએફ જેવી સરકારી એજન્સીઓ મારફતે ખેડૂતોના પ્રી-રજિસ્ટ્રેશનમાં નોંધપાત્ર વેગ આવ્યો છે. આ પ્રયાસો ખરીફ સિઝનમાં ખેડૂતોને કઠોળના ઉત્પાદન તરફ વળવા માટે પ્રોત્સાહિત કરવાની સરકારની વ્યૂહરચનાનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ આ ક્ષેત્રમાં આર્ત્મનિભરતા છે.
એકલા મધ્યપ્રદેશમાં જ, કુલ ૮,૪૮૭ અડદ ખેડૂતોએ એનસીસીએફ અને નાફેડ દ્વારા નોંધણી કરાવી છે. દરમિયાન, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ જેવાં અન્ય મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં અનુક્રમે ૨૦૩૭, ૧૬૧૧ અને ૧૬૬૩ ખેડૂતોની પ્રી-રજિસ્ટ્રેશન થયા છે, જે આ પહેલોમાં વ્યાપક ભાગીદારી સૂચવે છે.નાફેડ અને એનસીસીએફ દ્વારા પ્રાઈસ સપોર્ટ સ્કીમ (પીએસએસ) હેઠળ ઉનાળુ અડદની ખરીદી ચાલુ છે.
આ પહેલના પરિણામે, ૦૬ જુલાઈ, ૨૦૨૪ના રોજ, અડદના જથ્થાબંધ ભાવમાં ઈન્દોર અને દિલ્હીના બજારોમાં અનુક્રમે ૩.૧૨% અને ૧.૦૮%નો સપ્તાહ-દર-સપ્તાહ ઘટાડો જોવા મળ્યો છે.
સ્થાનિક ભાવો સાથે, આયાતી અડદના જમીની ભાવો પણ ઘટતા વલણ પર છે.
આ પગલાં ખેડૂતો અને ગ્રાહકો બંનેને ટેકો આપતી વખતે બજારની ગતિશીલતાને સંતુલિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

