જામનગરમાં ચાલુ વર્ષે 15 જૂન પછી વરસાદનું સમયસર વિધિવત રીતે આગમન થયું હતું. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા 23 દિવસમાં જિલ્લાના 25 માંથી ફકત 1 ડેમ ઓવરફલો થયો છે. જયારે ગતવર્ષે આ સમયગાળામાં 6 જળાશય છલકાયા હતાં. ખાસ કરીને વર્ષ-2023માં જામનગર જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં મેઘરાજા મનમૂકીને વરસતા શહેરને પાણી પુરૂં પાડતો રણજીસાગર ડેમ સંપૂર્ણ ભરાઇ ગયો હતોે. ચાલુ વર્ષે ચોમાસાના વિધિવત આગમન બાદ હજુ સુધી જિલ્લામાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન થતાં 13 જળાશયોમાં 30 ટકા કરતા ઓછું પાણી છે.
જામનગર જિલ્લામાં દરવર્ષની જેમ ચાલુ વર્ષે ચોમાસાનું 15 જૂન પછી વિધિવત આગમન થયું છે. પરંતુ રાજયના અન્ય જિલ્લા કરતા જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાયો છે. જેના કારણે જળાશયોમાં પાણીની ભારે ઘટ પ્રર્વતી રહી છે. ગતવર્ષે 8 જુલાઇ સુધીમાં જિલ્લાના 25 માંથી 6 જળાશયો ઓવરફલો થયા હતાં. જયારે ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ફકત 1 જળાશય છલકાયું છે. વરસાદ ખેંચાતા જિલ્લાના 25 માંથી 13 જળાશયમાં 30 ટકા કરતા ઓછું પાણી છે.
હજુ પણ વરસાદની કોઇ નકકર આગાહી નથી. ત્યારે જો વરસાદ ખેંચાશે તો ડેમ નહીં ભરાય તો પાણીની મોકાણની સ્થિતિ ઉભી થશે તેમાં બેમત નથી. વરસાદ ખેંચાતા જળાશયોમાં પાણીની આવક ન થતાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ખાસ કરીને પિયત તથા પીવાના પાણીની સમસ્યા ઉભી થશે.
ગત વર્ષ કરતા જળાશયોમાં 3602 ફુટ પાણીનો ઘટાડો જામનગર જિલ્લામાં ગતવર્ષે મેઘરાજા મનમૂકીને વરસતા વરસાદના પ્રથમ રાઉન્ડમાં 8 જુલાઇ સુધીમાં 25 જળાશયોમાં કુલ જળરાશિ 6706.33 મીલીયન કયુબીક ફુટ હતી. જયારે ચાલુ વર્ષે ચોમાસાના સમયસર આગમન બાદ વરસાદ ખેંચાતા 25 જળાશયોમાં ફકત 3103.42 મીલયન કયુબીક ફુટ જળરાશિ હોય 3602 ફુટ પાણીનાી ઘટ પ્રર્વતી રહી છે.

