ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે જ રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 1 દર્દીનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક બાળક હાલ સારવાર હેઠળ છે. જો કે, શહેરી વિસ્તારમાંથી હજુ કોઈ કેસ સામે આવ્યો નથી.
આમ છતાં ગ્રામ્ય વિસ્તારમાંથી 2 પોઝિટિવ કેસ સામે આવતા કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. આ રોગમાં 75% દર્દીના મોત થતા હોય આરોગ્ય કેન્દ્રોમાં આવતા શંકાસ્પદ દર્દીઓને તુરંત સિવિલમાં રીફર કરવા આદેશ આપવામાં આવ્યા છે.
આદિવાસી વિસ્તારમાં આ વાઈરસનાં કેસો જોવા મળી રહ્યા છે
રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના અને મુખ્યમંત્રીનાં આદેશને લઈને ચાંદીપુરા વાઈરસનાં અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.
જેમાં વાઈરસ કઈ રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું છે તેનાથી લોકો માહિતગાર થાય તે માટેની એડવાઇઝરી અગાઉ જાહેર કરવામાં આવી હતી. સૌપ્રથમ જાણીએ કે આ વાયરસ શું છે ? ચાંદીપુરા વાઈરસનો સૌપ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યનાં નાગપુરમાં જોવા મળ્યો હતો. આદિવાસી વિસ્તારમાં આ વાઈરસનાં કેસો જોવા મળી રહ્યા છે.

