‘મિર્ઝાપુર 3’ સિરીઝ 5 જુલાઈના રોજ ‘એમેઝોન પ્રાઇમ વિડિયો’ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ સિરીઝની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. પરંતુ દર્શકોને ગોલુનું પાત્ર સૌથી વધુ પસંદ આવી રહ્યું છે. આ પાત્ર શ્વેતા ત્રિપાઠીએ ભજવ્યું છે. સિરીઝ રિલીઝ થયા બાદ શ્વેતાએ ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે વાત કરી હતી.
શ્વેતાએ જણાવ્યું કે એક્ટિંગમાં આવતાં પહેલાં તે પત્રકાર હતી. આ પછી તેણે વોઈસ ઓવર અને કાસ્ટિંગનું કામ પણ કર્યું. ત્યારબાદ શ્વેતાએ એક્ટિંગ ફિલ્ડમાં એન્ટ્રી કરી.
ચાલો, શ્વેતા ત્રિપાઠી સાથે વાતચીત શરૂ કરીએ…
મિર્ઝાપુર પછી જીવન કેવું બન્યું?
હવે તે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું છે. હું જ્યાં પણ જાઉં ત્યાં લોકો મને ‘ગોલુ દીદી’, ‘ગોલુ ડોન’ કહીને બોલાવે છે. આ બધું જોઈને ખૂબ જ સારું લાગે છે. આવું હુલામણું નામ સાંભળ્યા પછી વ્યક્તિ પોતાની જાત પ્રત્યે અનોખી લાગણી અનુભવે છે.
તમારા ચાહકની કોઈ રમૂજી ઘટના જણાવો?
સૌથી વધુ મજા એરપોર્ટ પર આવે છે. જ્યારે આઈડી ચેકિંગ દરમિયાન અધિકારીઓ કહે છે – અરે તમે ગજગામિની છો. તે જોઈને આનંદ થાય છે કે નેતાઓથી લઈને અધિકારીઓ સુધીના લોકો પણ આ સિરીઝ જોઈ રહ્યા છે. અમારો એક મિત્ર છે. તેમની 62 વર્ષની માતા આચાર્ય છે. તેમણે સિરીઝની છેલ્લી બે સીઝન જોઈ નહોતી. જ્યારે ત્રીજી સિઝન આવવાની હતી ત્યારે તેમણે પોતાની દીકરી સાથે જૂની બંને સિઝન જોવાનું શરૂ કર્યું. સિરીઝ જોયા પછી તેમણે કહ્યું – તે થોડી ગંદી છે, પરંતુ ખૂબ સારી છે.

