દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાએ ભારે હાલાકી ભર્યો માહોલ સર્જી દીધો છે. જેમાં ખાસ કરીને દ્વારકા તેમજ કલ્યાણપુર તાલુકાની હાલત કફોડી બની ગઈ છે. કલ્યાણપુર તાલુકામાં ફસાયેલા ગ્રામજનોને બચાવવા માટે એન.ડી.આર.એફ.ની ટીમ તથા હેલિકોપ્ટર રેસ્ક્યુ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

આ સાથે દેવભૂમિ દ્વારકામાં પણ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. જેને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજરોજ હવાઈ માર્ગે દ્વારકા નજીકના કુરંગા ખાતે આવી અને પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ સ્થાનિક આગેવાનો ઉપરાંત અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

