Gujarat

રખડતા બિનવારસી ઢોરોને પકડી સારેજા બાદ પાંજરાપોળ મોકલાશે

પાદરામાં સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી અંતર્ગત મીટિંગ યોજાઈ હતી. પાલિકાના સભાખંડમાં યોજાયેલ આ મીટિંગમાં રખડતા ઢોર અંગે ચર્ચા થઇ હતી.

પાદરા નગરમાં દિન પ્રતિદિન અનેક સ્થળો અને હાઇવે પર રખડતા ઢોરનો પ્રશ્ન વિકટ બની ગયો છે. કેટલાક બનાવોમાં તો રખડતા ઢોરના કારણે વાહન ચાલકો ઇજાગ્રસ્ત પણ થતા હોય છે.

રોડ પર ઠેર ઠેર ગાયોનો અડિંગો જોવા મળે છે. આવી વિકટ બનતી પરિસ્થિતિને લઇને પાદરા પોલીસ સ્ટેશન પીઆઇ વી.એ.ચારણ તથા પાદરા નગર પાલિકાના અધિકારીઓ તેમજ સતાધીશો અને પશુપાલક સાથે મીટિંગ યોજાઇ હતી.

જેમાં રખડતા ઢોર અંગે કાયમી નિકાલ કરવા માટે તેમજ રખડતા ઢોરોથી છુટકારો મળે તે માટે અનેક સૂચનો પીઆઇ તથા ચીફ ઓફિસર દ્વારા પશુપાલકોને કરાયા હતા. મીટિંગમાં રખડતા બિનવારસી ઢોર અંગે પણ ચર્ચા કરાઇ હતી.

ખાસ કરીને જાહેરમાં રખડતા ઢોરની વિકટ પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરાઇ હતી. બિનવારસી પશુઓને પાંજરાપોળ અથવા અન્ય સ્થળે ખસેડવાની ચર્ચા થઇ હતી. પ્રથમ તબક્કે હાલ બિનવારસી ઢોરને પકડી પાદરા નગર પાલિકા દ્વારા નિયુક્ત કરાયેલ જગ્યા સારેજા ખાતે ખસેડવામાં આવશે. ત્યારબાદ પાંજરાપોળમાં મોકલાશે. મીટિંગમાં અઠવાડિયામાં બિનવારસી ઢોરોનો નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો.