અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યા બાદ બાઈડને ગુરુવારે ઓવલ ઓફિસથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, “હું નવી પેઢીને મશાલ સોંપવા માગું છું. ચૂંટણી સર્વેમાં મારી હારના અંદાજથી નિરાશ થઈને મેં રેસમાંથી બહાર થવાનો નિર્ણય લીધો હતો. હું મારી સાથે મારા સાથીને ડેમોક્રેટ્સની હાર તરફ ન ખેંચી શકું.”

તેમણે કહ્યું- નવી પેઢીને મશાલ સોંપવી એ આપણા રાષ્ટ્રને એક કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હું રાષ્ટ્રપતિના કાર્યાલયનું સન્માન કરું છું, પરંતુ હું મારા દેશને વધુ પ્રેમ કરું છું. રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવી એ મારા જીવનભરનું સન્માન રહ્યું છે. પરંતુ લોકશાહીનું રક્ષણ કરવું એ કોઈપણ પદ કરતાં વધુ મહત્ત્વનું છે. મને અમેરિકનો માટે કામ કરવામાં ખુશી થઈ છે.
બાઈડને કહ્યું, “અમેરિકાની સૌથી સારી વાત એ છે કે તેના પર કોઈ રાજા કે તાનાશાહનું શાસન નથી. અહીંના લોકો રાજ કરે છે. હવે ઈતિહાસ તમારા હાથમાં છે. અમેરિકાનું ભવિષ્ય તમારા હાથમાં છે.”

