Gujarat

ચાંદીપુરા વાઈરસની શંકાએ 50 હજાર ઘરમાં તપાસ, SVPમાં 10 બેડનો એક વોર્ડ બનાવાયો

શહેરમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાઈરસના 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તમામ સેમ્પલ મ્યુનિ.એ તપાસ માટે મોકલ્યા હતા. જે પૈકી 8નો રિરપોર્ટ આવતાં 2 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 6નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કારણે 4 બાળકોના મૃત્યુ થયા હતા તે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હજુ 3 રિપોર્ટ પેન્ડિંગ છે. ચાંદીપુરા વાઈરસની શંકાએ મ્યુનિ.એ એક જ દિવસમાં 50 હજાર ઘરમાં તપાસ કરી છે. જ્યારે તકેદારીના ભાગરૂપે એસવીપીમાં 10 બેડનો એક અલાયદો વોર્ડ ઊભો કરાયો છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગે એવા 32626 ઘરો શોધી કાઢ્યા છે જ્યાં સેન્ડ બી ( ચાંદીપુરા માટે જવાબદાર માખી) ઇંડા મૂકી શકે છે. ત્યાં સતત વોચ રાખી દવાનો છંટકાવ, આરઆઇએસ, ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

શંકાસ્પદ ચાંદીપુરાના કેસો આવતાં જ મ્યુનિ. એલર્ટ સ્થિતિ પર આવી ગયું છે. 1500 થી વધારે આશાવર્કર બહેનો દ્વારા ઘરે ઘરે ફરીને તપાસ કરાઈ રહી છે. એક જ દિવસમાં મ્યુનિ. એ 50836 મકાનોનો સરવે કર્યો હતો.

જેમાં માત્ર 133 લોકોને સામાન્ય તાવ આવતો હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉત્તર ઝોનમાં જ 128 લોકોને તાવ હોવાનું જાણવા મળ્યું હતું. જે વિસ્તારમાં ગંદકી છે ત્યાં 1.33 લાખ કિલો મેલેથીઓન દવાનો છંટકાવ કરાયો હતો.