જેટકો સબ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા મીની તળાવ બન્યું
ભરૂચ જીલ્લાના પાલેજમાં ભારે વરસાદ ખાબકતા જેટકો સબ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા DGVCL કચેરીનું કામકાજ ખોરવાયું હતું. સબ સ્ટેશન સંકુલમાં ગોઠણસમાં પાણીમાં ચાલતા કર્મચારીઓ નજરે પડ્યા હતા….
ભરૂચ જીલ્લા સહિત પાલેજ નગરમાં તા.24ના દિને વરસેલા અવિરત વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પાલેજ નગરની મધ્યમાં આવેલું તળાવ પણ વરસાદી પાણીથી છલોછલ થઈ જવા પામ્યું છે. તો બીજી તરફ પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં પુર્વ દિશામાં આવેલા GETCO સબ સ્ટેશનમાં આજુબાજુની સીમના વરસાદી પાણી ધસી આવતા સબ સ્ટેહનના સંકુલમાં વરસાદી પાણી ભરાતા ભરાતા વીજગ્રાહકો સહિત DGVCL સ્ટાફ મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યો છે.
જેટકો સબ સ્ટેશન સંકુલમાં ગોઠણસમા પાણી નજરે પડ્યા હતા. જેટકોના કર્મીઓ ગોઠણસમા પાણીમાં બહાર નીકળતા નજરે પડ્યા હતા. દર વર્ષે જેટકો સબ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપરી પરિસ્થિતિનું સર્જન થાય છે. પાણી ઓસર્યા પછી જ ડીજીવીસીએલ કચેરીનું કામકાજ પૂર્વવત થશે તેમ જાણવા મળી રહ્યું છે.