Gujarat

જામનગરની ભાગોળે ભારતીય ગીધ દેખાતા પક્ષીપ્રેમીઓ ખૂશ

જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્ય પાસેના જળાશય પાસે ભારતીય ગીધ જેવું પક્ષી જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગીધ પક્ષી લુપ્ત થવાની કગાર પર છે. ત્યારે જામનગરમાં ગીધ જોવા મળતા લોકો ખુશ થઈગયા છે.

ભારતીય ગીધ વિશ્વસ્તરે સંકટગ્રસ્ત છે. 1998ના વાવાઝોડા પછી જામનગર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક શહેર-ગામડા અને જંગલોમાંથી ગીદ્યનો સફાયો થઈ ગયો હતો અને જામનગરમાંથી તો સંપૂર્ણપણે લુપ્ત થયા હતાં.

શુક્રવારની સવારે જામનગરની ભાગોળે અને ખિજડીયાની પાછળના ભાગે અવોલ જળાશય પાસે ભારતીય ગીદ્ય જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાય છે. એક જાણકારી અનુસાર 1980થી 2000ના દાયકાઓમાં સૌરાષ્ટ્રમાં અનેક વર્ષ દુષ્કાળના રહ્યાં હતાં.

આ દરમિયાન પશુઓને સાંધાના દુઃખાવા માટે અપાતી ડાયકલોફેનાક દવાને કારણે આ ગીદ્ય તેની આડઅસરનો ભોગ બનેલા, કારણ કે ગીદ્યનો મુખ્ય ખોરાક જ મરેલા ઢોર હોય, દવાવાળા પશુ મૃતદેહોએ ભારે તબાહી મચાવી હતી અને બાકીની કસર વાવાઝોડાએ પૂરી કરી હોય, તેમ 1990 પછીના 10-15 વર્ષમાં ભારતીય ગીદ્યની વસતિમાં 97% નો ઘટાડો નોંધાયો હતો અને આ પ્રજાતિ લુપ્ત થવાની કતાર પર આવી ગઈ છે.

જો કે, સરકારે 2008 પછી આ ઘાતક દવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. તેમ છતાં આ દવાનો ઉપયોગ થતો રહ્યો હોવાથી અને ભારતીય ગીદ્ય હાલમાં ખૂબ જ જૂજ સંખ્યામાં બચ્યા છે.