Gujarat

યાત્રાધામ દ્વારકાના ગૌશાળાના સંચાલકો દ્વારા આવેદન અપાયું

યાત્રાધામ દ્વારકાની જુદી જુદી ગૌશાળાના સંચાલકો દ્વારા ગૌશાળા તથા પાંજરાપોળ માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં વધારો કરવા સહિતના પ્રશ્નો મામલે આવેદન અપાયુ હતુ.દ્વારકાની વિવિધ ગૌશાળાના સંચાલકો દ્વારા ગૌશાળા તથા પાંજરાપોળ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય તથા અન્ય પ્રશ્નો પરત્વે પ્રાંત અધિકારી તથા મામલતદાર મારફતે મુખ્યમંત્રી, નાણામંત્રી, પશુપાલન મંત્રી, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ સહિત સંલગ્ન વિભાગને આવેદન પાઠવી દ્વારકાની સુરભી માધવ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા કૃષ્ણા ગૌસેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકો દ્વારા રજુઆતો કરવામાં આવે છે.

ઉપરોકત લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપોળને પશુ દીઠ પ્રતિ દિન રૂા.30 ની સહાય અપાય છે તેમાં વધારો કરીને પ્રતિદિન રૂા.100 કરવા જણાવાયુ છે.

ઉપરાંત ગૌશાળા તથા પાંજરાપોળની ઘણી જગ્યાઓ સંસ્થાના નામે ન હોવાથી આવી સંસ્થાઓ સરકારી સહાયથી વંચિત રહી જાય છે તે પ્રશ્ન સરકાર દ્વારા સ્પષ્ટ નીતિ નકકી કરી ગૌવંશ માટે વપરાતી જગ્યાઓ સંસ્થાના નામે કરવા કાર્યવાહી કરવી તેમજ ગૌશાળા અને પાંજરાપોળ વધારા પશુધનને સમાવવા માટે વધારાના પશુઓના સંરક્ષણ તથા સંશાધનોની જરૂરીયાત પુરી પાડવા તથા નાણાંકીય જરૂરીયાતને પહોંચી વળવા માટે સરકાર દ્વારા યોગ્ય સહયોગ પ્રાપ્ત થાય સહિતના પ્રશ્નો પરત્વે રજુઆતો કરેલ છે.