Gujarat

રણુજા દર્શન કરી પરત ફરી રહેલાં પતિ-પત્ની અને ચાલકે ઘટનાસ્થળે દમ તોડ્યો, બેની હાલત ગંભીર

વડગામના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સ્વિફ્ટ કાર ડિવાઇડર સાથે ભટકાઇ જતાં ગાડીમાં સવાર પાંચ લોકો પૈકી પતિ-પત્ની સહિત ત્રણનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. જ્યારે અન્ય બે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ મહેસાણાનો સુથાર પરિવાર રણુજા દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ મહેસાણાના ગાંભુ ગામનો અને હાલ મહેસાણાના દેદિયાસણના ગોકુલધામ ફ્લેટમાં રહેતો સુથાર પરિવાર સ્વિફ્ટ કારમાં રણુજા ખાતે બાબા રામદેવપીરનાં દર્શન કરવા ગયો હતો. ત્યારે આજે પરત ફરતાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે કાર ડિવાઇડરમાં ઘૂસી ગઇ હતી.

પુરઝડપે આવતી કાર ડિવાઇડરમાં ઘૂસી જતાં કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે એરબેગ પણ ખૂલી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો પૈકી વિનુભાઈ ચીમનલાલ સુથાર તેમનાં પત્ની ગીતાબેન વિનુભાઈ સુથાર અને ડ્રાઇવર સંજયભાઈ ચંદુભાઈ સુથારના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

વહેલી સવારે થયેલા આ અકસ્માતની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠાં થઇ ગયાં હતાં અને તુરંત 108 અને છાપી પોલીસને જાણ કરી હતી. છાપી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.