– જાણકારોના મતે ભરૂચની સૌથી મોંઘી “હિલ્સા” સામે ખતરો
– ૨૦૦૦ ઈંડા મુકતી જળચળ ભક્ષક માછલી ફરી આમોદના માછીમારોને મળી આવી
– 3 ફૂટ સુધી વધતી સકર માઉથ કેટફીશનો ખોરાક છે નાના છોડ, માછલીઓ અને ઈંડા
– સજાવટના માછલીઘરમાં લોકો રાખે છે, જે મોટી થઈ ગયા બાદ તેને કાઢી નજીકના જળાશયોમાં નાંખી દે છે.
એકવેરિયમમાં ઓર્નામેન્ટલ તરીકે આકર્ષણ માટે ઉપયોગમાં લેવાતી એક માછલી હાલ ભરુચ સહિત આખા ગુજરાત અને દેશના તળાવો, જળાશયો, નદીઓની જીવ તેમજ જળસૃષ્ટિ માટે ખતરો બની રહી છે.
અમેરિકાની એમેઝોન નદીમાં મૂળ મળી આવતી આ માછલી ૪ વર્ષ પહેલાં ગંગા નદીમાંથી મળી આવ્યા બાદ ૨ વર્ષ પહેલા નર્મદા નદીમાંથી પહેલી વખત મળી આવી હતી. અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના નર્મદા નદીમાં આ માછલી ફસાઈ હતી. ત્યારબાદ હવે આમોદ તાલુકાના પુરસા ગામે તળાવમાંથી માછીમારની જાળમાં આ અજીબ માછલી ફસાઈ હતી. પ્રથમ નજરે આ માછલીને જોતા ભારે કુતૂહલ સર્જાયું હતું. આ માછલીને જોવા માટે લોકો ઉમટી પડયા હતા.
સકર માઉથ કેટફિશ સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળી આવે છે, અને અગાઉ ગંગા નદીમાં મળી હતી, અને હવે નર્મદા નદી બાદ ગામ તળાવમાં આ માછલી ક્યાંથી આવી એનું સૌને કુતૂહલ સર્જાયું હતું.
સકર માઉથ કેટ ફીશનું વૈજ્ઞાનિક નામ હાયપોસ્ટોમસ પ્લેકોસ્ટોમસ છે. જેને કોમન પ્લેકો અને ક્રોકોડાઈલ ફીશ પણ તેના દેખાવને લઈ કહેવામાં આવે છે. આ માછલી ૩ ફૂટ સુધી મોટી થાય છે અને પાણી વગર ૪ કલાકથી વધુ સમય સુધી રહી શકે છે. એક સાથે ૨૦૦૦ ઈંડા દ્વારા હજારો બચ્ચાઓને જન્મ આપે છે. આ માછલી માંસાહારી છે. આ કારણે તે કોઈ મહત્વપૂર્ણ માછલી કે જીવને રહેવા દેતી નથી. નાના છોડ, ઈંડા, બચ્ચા, જીવ-જંતુ અને નાના જળચરો અને માછલીઓ સુદ્ધાં તે આરોગી જતી હોવાથી ભારતના જળ અને જીવસૃષ્ટિ માટે આ માછલી ઘાતક ગણાવાઈ છે.
આ કેટ ફીશ જે જગ્યાએ રહે છે ત્યાં પોતાનું સામ્રાજ્ય ઉભું કરી દે છે. આસપાસના અન્ય જીવ અને જીવ સૃષ્ટિનો ખાત્મો કરી દે છે. સાથે જ જલાશયની ઇકો સિસ્ટમ ખોરવી નાખે છે. કર્ણાટક સરકારે તો આ માછલીના વેચાણ ઉપર પેહલાથી જ બેન લગાવી દિધો છે.
– નર્મદા નદીમાં હિલ્સા સહિતની મચ્છી માટે આફતના સંજોગો
ભરૂચ જિલ્લા કે ગુજરાતના લોકો પણ એકવેરિયમમાં બોટમ કે ગ્લાસ ક્લિનર તરીકે આના બચ્ચાં લાવી રાખે છે. સામાન્ય તેની જોડી 100 થી 350 રૂપિયા સુધી મળે છે. પણ આ માછલી મોટી થઈ જતાં તેને પોતાના એકવેરિયમમાંથી કાઢી નદીઓમાં અને અન્ય કુદરતી જળ સ્ત્રોતમાં છોડી દેવામાં આવે છે. જે હવે ખતરનાક બની રહ્યું છે. એનાથી સ્થનિક જળચર જીવોનું અસ્તિત્વ ધીમે ધીમે મટી જશે. નર્મદા નદીમાં જો આ સકર માઉથ કેટ ફીશ નું પ્રમાણ વધ્યું તો હિલ્સા સામે સંકટ ઉભું થવાની ભીતિ છે.

