જૂનાગઢ રેલવે પોલીસની ‘શી’ ટીમ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ઘર છોડીને નીકળી ગયેલા 45 લોકોને સલામત રીતે તેમના પરિવારને સુપ્રત કર્યા છે.
પોલીસ ટીમની પૂછપરછમાં મહિલાઓ ઘર કંકાસ, બાળકો માતા પિતાએ ઠપકો આપ્યો હોય, વૃદ્ધો તેમજ પુરૂષો માનસિક અસ્વસ્થતાના કારણે ઘર છોડી દેતા હોવાના ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. બીજી તરફ જૂનાગઢ રેલવે પોલીસની ‘શી’ ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીની સુચનાથી દર મહિને શહેરમાં બાળકો, મહિલાઓ તેમજ વૃદ્ધો માટે કાર્ય કરતી સંસ્થાઓની મુલાકાત લઈ મદદરૂપ બનતી હોવાની પણ વિગતો સામે આવી છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ, બાળકો, પુરૂષો તેમજ વૃદ્ધો વિવિધ કારણોસર પોતાના ઘર પરિવારને છોડીને ચાલ્યા જવાના દાખલાઓ જોવા મળતા હોય છે. પરિવાર છોડીને ગયેલા લોકો મોટાભાગે રેલવેની મુસાફરીમાં અથવા તો રેલવે મથક પર આશરો લઈ રહેતા હોય છે. જોકે આવા લોકો અજાણ્યા ગામ, શહેર કે પ્રદેશમાં આશરો શોધતા હોવાનું પણ સામે આવ્યું છે.
આ તમામ બાબતો વચ્ચે જૂનાગઢ રેલવે પોલીસ મથકની ‘શી’ ટીમના પીએસઆઇ પી.કે. વારોતરીયા, પોલીસ કોન્સ્ટેબલ રોહિત વાણવી અને મનિષાબેન કાચાએ વર્ષ 2022 થી 2024 એમ 3 વર્ષમાં જૂનાગઢ રેલવે મથકથી મળી આવેલાં 12 મહિલા, 3 પુરૂષ, 23 બાળકો અને 5 વૃદ્ધોને તેમના પરિવારજનો અથવા તો આ અંગે કાર્ય કરતી સંસ્થાઓમાં સલામત રીતે પહોંચતા કર્યા છે.

