Gujarat

સોમનાથ મંદિરમાં પ્રવેશ, બહાર નીકળવાના માર્ગ જુદા; હવે શ્રદ્ધાળુઓની ભીડ નહીં થાય

સોમનાથ મહાદેવ મંદિરમાં આ વર્ષે શ્રાવણ માસમાં થતી ભીડ બાદ મંદિરમાં પ્રવેશતા અને બહાર નીકળતા ભાવિકો સામસામાં ભટકાય એવું નહીં બને, પરિણામે મંદિરના સંકુલમાં ભીડ પણ જમા નહીં થાય. જ્યાં જૂનું એસટી બસ સ્ટેશન હતું ત્યાંથી હવે ભાવિકોને પ્રવેશ અપાય છે, જૂની એન્ટ્રી જ્યાંથી થતી ત્યાંથી હવે ભાવિકો બહાર નીકળશે.

મંદિર સંકુલમાં 30 હજાર ચોરસ ફૂટનો વિસ્તાર વધી જતાં ગમે એટલી સંખ્યામાં ભાવિકો આવે ભીડ નહીં જામે. વળી યાત્રાળુઓના ચેકિંગ માટે મહિલાઓ અને પુરુષોની 3-3 લાઇનો બનાવાઇ છે. આથી પ્રવેશ બાદ પાંચમી મિનિટે દર્શન માટે ગર્ભગૃહ સુધી પહોંચી શકાશે. એમ સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ ‘ભાસ્કર’ને જણાવ્યું હતું.

સોમનાથ આવતા ભાવિકોને મંદિરમાં ભેટ ધરવા, પૂજા નોંધાવવા કે પ્રસાદ મેળવવા માટે રોકડ રકમની જરૂર પણ નહીં પડે. આ માટે ખાસ કૅશલેસ ડિજિટલ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં ભાવિકો ક્યુઆર કોડ અથવા પોતાના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકશે.

સોમનાથ દાદાને દાનપેટીમાં ભેટ પધરાવવી હશે પણ જો રોકડ નહીં હોય તો આ કૅશલેસ કાઉન્ટર પર પણ જમા કરાવી શકાશે. આમ આ શ્રાવણે ભાવિકોને સોમનાથ મંદિરે નવી વ્યવસ્થા જોવા મળશે.