Gujarat

વિશ્વ આદિવાસીવાસી દિવસ: શા માટે ભારતે પશ્ચિમના સામૂહિક અપરાધને માથે લેવો જોઈએ?

વિશ્વ આદિવાસી દિવસ ખરેખર જોઈએ તો પશ્ચિમી દેશોનો વસાહતીકરણ, જુલમ અને નરસંહારનો ઇતિહાસ છે. આ દિવસ આ દેશો માટે આ અપરાધબોધનું અથવા તેને માટે આત્મમંથન બાદ થયેલી આત્મગ્લાનિનું પરિણામ ગણીએ તો કદાચિત નવાઈ નથી પરંતુ ભારતે તેને અનુસરવાની જરૂર છે ખરી?
9મી ઓગસ્ટ વિશ્વ આંતરરાષ્ટ્રીય મૂળનિવાસી દિવસ તરીકે અથવા આદિવાસી દિવસ તરીકે ઓળખાય છે. વિશ્વભરના દેશો તેમના “મૂળનિવાસી લોકોને” ઓળખીને અને સન્માન આપીને આ દિવસની ઉજવણી કરે છે. સ્કેન્ડિનેવિયન દેશો તેમની વાઇકિંગ/મૂર્તિપૂજક સંસ્કૃતિ કે જે હવે પોતાનું અસ્તિત્વ ખોઈને ખ્રિસ્તી ધર્મમાં ભળી ગઈ છે તેની ઉજવણી કરે છે. યુકે અને તેના પડોશી દેશો જીપ્સી/રોમાની લોકોનું સન્માન કરે છે.
યુએસ અને પડોશી દેશો વિવિધ મૂળ અમેરિકન જાતિઓનું સન્માન કરે છે. ઓસ્ટ્રેલિયનો ત્યાંના મૂળનિવાસીઓનું સન્માન કરે છે. ન્યુઝીલેન્ડ માઓરીઓનું સન્માન કરે છે. ભારત એકાત્મ વિવિધતા ધરાવતો દેશ છે અને તેને મૂળમાં રાખીને આદિવાસી દિવસની ઉજવણી કરવામાં છે.
કોઈ પણ સમાજને સન્માન આપતા દિવસની ઉજવણી ઉમદા ગણી શકાય, પરંતુ શું ભારતે મૂળનિવાસી દિવસની ઉજવણી કરવાની જરૂર છે ખરી? ભારતે પશ્ચિમની આંધળી નકલ કરવાની આવશ્યકતા છે ખરી? પશ્ચિમની જે પ્રકારની વિચારસરણી છે તેમાં તેઓ જ્યાં ગયા ત્યાંના મૂળનિવાસીઓ ઉપર અમાનવીય અત્યાચાર કર્યા, તેમની સાથે ભેદભાવ કર્યા, તેમનું જાતિગત નિકંદન કાઢવાની કોશિશો કરી ત્યારે જો ભારત પશ્ચિમી દેશોના આંધળા અનુકરણથી ભારત પણ એવું જ આદિવાસી વિરોધી છે તેવી ઓળખ નહીં બને? વાસ્તવિકતા એ છે કે ભારત પોતાની વર્ષો જૂની એકાત્મક વિવિધતા ધરાવતી સંસ્કૃતિનો વારસો ધરાવે છે, ભારતનો અન્ય દેશો પર આક્રમણ કરી વસાહતો બનાવી જે-તે દેશના લોકોને ગુલામ બનાવવા કે તેમની સાથે ભેદભાવ કરવાનો ઇતિહાસ નથી તેથી આ દિવસ ન ઉજવીને પશ્ચિમી વસાહતી માનસિકતાને નકારવાનું એક મજબૂત કારણ ભારત પાસે છે.
આપણે ઉદાહરણ લઈએ જેને “મુક્તની ભૂમિ” અને “લોકશાહી અને સમાનતાનું પ્રતીક” કહેવામાં આવે છે તે અમેરિકાનું અને મૂળભૂત રીતે હંમેશા અંગ્રેજી બોલતા યુ.કે., કેનેડા, ન્યુઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોનું જે બ્રિટિશ એંગ્લો-સેક્સન  સામ્રાજ્યની વસાહત રહ્યા છે તેમની માનસિકતા એ જ છે બદલાઈ છે તો માત્ર આ સામ્રાજ્યની રાજધાની જે લંડનથી વોશિંગ્ટન ડીસી થઈ છે.
આ દેશોએ જે ભૂમિ પર આક્રમણ કર્યું ત્યાંના મૂળ વતનીઓ ઉપર અમાનવીય અત્યાચારો કર્યા. વસાહતી યુગ દરમિયાન મૂળ અમેરિકનો, મૂળનિવાસીઓ, ન્યૂઝીલેન્ડમાં માઓરીઓનો લાખોની સંખ્યામાં નરસંહાર કર્યો. જે તે દેશના મૂળનિવાસી પુરૂષો, સ્ત્રીઓ, વૃદ્ધો, યુવાનોને ગુલામ બનાવવામાં આવ્યા, તેમના રાજાઓ, ઉમરાવોને પ્રતાડિત કરવામાં આવ્યા અને તેમની મૂળ સંસ્કૃતિઓ લગભગ લુપ્ત થઈ ગઈ.
પ્રશ્ન એ થાય કે પશ્ચિમના દેશો તેમના પૂર્વજોના આ પાપો, સામૂહિક અપરાધો, તેમના પૂર્વજોએ જેમના પૂર્વજોની કતલ કરી હોય તેવા લોકોના વંશજોનું ખરેખર સન્માન કરી રહ્યા છે કે સતત બદલાતા વિશ્વમાં આદિવાસીઓનું, મૂળનિવાસીઓનું ખુલ્લેઆમ શોષણ કરવું મુશ્કેલ બની ગયું છે તેથી ઉમદા અને સદાચારી દેખાવા માટે વિશ્વ સમક્ષ ઢોંગ કરી રહ્યા છે કે “જુઓ, અમને કાળજી છે!” અને એ “કાળજી” ના પડદા પાછળ આદિવાસીઓનું, મૂળનિવાસીઓનું શોષણ કરવાનું ચાલુ રાખી રહ્યા છે.
પશ્ચિમી લોકો દ્વારા જે તે દેશોના મૂળનિવાસી લોકોનું આ શોષણ હજુ પણ વધુ સૂક્ષ્મ સ્વરૂપમાં ચાલુ છે. જે તે દેશોના મૂળવાસી લોકો પાસે ભાગ્યે જ તેમની સંસ્કૃતિ બચી છે. તેઓનું સન્માન અને ગૌરવ છીનવી લેવામાં આવ્યું છે. તેમનો દેખીતો નરસંહાર બંધ થઈ ગયો હોય તેમ લાગે છે પરંતુ સાંસ્કૃતિક નરસંહાર હજુ પણ ચાલુ છે.
ભારતમાં આદિવાસી દિવસની ઉજવણી કરવાનો શું અર્થ છે? જ્યાં સુધી ભારતનો સંબંધ છે, તમામ ભારતીયો આ ભૂમિના સંતાનો જ છે. તમામ ભારતીયો આ પુણ્યભૂમિના વતની છે અને સદભાગ્યે પશ્ચિમી વસાહતીઓ ભારતની આ ઓળખ ભૂંસી નાખવામાં નિષ્ફળ ગયા છે. તો પછી મૂળનિવાસી દિવસ, આદિવાસી દિવસ આપણા દેશના આદિવાસીઓ એકલા શા માટે સૌ ભારતીયો મળીને ઉજવીએ અને તે અન્ય કોઇ તારીખે ‘રાષ્ટ્રીય આદિવાસી દિવસ’ ઉજવવો જોઈએ.
શા માટે આપણે પશ્ચિમનું અનુકરણ કરવું જોઈએ? આપણા લોકોએ ક્યારેય કોઈ દેશમાં લાખો લોકોની હત્યા કરી નથી. આપણા લોકો પૂર્વજોના આવા કોઈ પાપ કર્યા નથી. આપણે તો ખરેખર એ લોકો છીએ કે જેમના પૂર્વજોની પશ્ચિમ અને ઇસ્લામિક આક્રમણકારોએ કત્લેઆમ ચલાવી અને સદીઓ સુધી લૂંટ્યા.
– દેવેન્દ્રકુમાર દેસાઈ
(વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા)