Gujarat

ગિરનાર પ્રવાસ કરીને વાદળોને વિંધવાનો સમય

ગિરનારની વનરાજી અને ખૂબસુરતી માણવી હોય તો સૌથી શ્રેષ્ઠ સમય વરસાદ રોકાઇ ગયા પછીના દિવસો જ હોય છે. શ્રાવણ માસમાં જટાશંકર ફરવા આવનાર બહારગામનો વર્ગ વધ્યો છે. ગિરનાર સીડી ચઢીને જનારા બહુ ઓછા હોય છે. જોકે, ઉડન ખટોલામાં બેસીને ગિરનાર સ્થિત અંબાજી મંદિર સુધી જનારા પ્રવાસીની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ઉડન ખટોલાના પ્રવાસ દરમિયાન ચારેય તરફ ઘેરાયેલા વાદળોના વચ્ચેથી હવામાં લહેરાતા પ્રવાસ કરવાની મજા પ્રવાસીઓ માટે મન મોહક બની રહે છે.

તો વળી, ગિરનારની જૂના પગથિયે ચડીને જટાશંકર જતા દર્શનાર્થીઓ માટે પગથિયા છોડ્યા પછી ફોલાદી પથ્થરોને વીંધીને ડગ માંડવાની અનુભૂતિ અનોખો રોમાંચ આપી જાય છે.

ગત એપ્રિલથી જુલાઈ સુધીના 4 મહિનામાં ગિરનારના પ્રવાસે આવેલાં 1,31,728 લોકોએ રોપ-વે પ્રવાસ થકી વાદળ સ્પર્શ કરી આહલાદક આનંદની અનુભૂતિ કરી હતી. જોકે, ઓગસ્ટ માસમાં ભારે વરસાદ અને પવનના કારણે રોપ-વે બંધ હોવા છતાં અનેક લોકોએ પગથિયાં ચડીને ગિરનાર પ્રવાસ કરી પથ્થર, પાણી અને લીલાછમ વૃક્ષો વચ્ચે પ્રકૃતિનો ભરપુર આનંદ માણ્યો હતો.