Gujarat

જી.જી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા, સુત્રોચ્ચાર કરી રેલી યોજી, OPD તેમજ વોર્ડ સર્વિસથી અડગા રહ્યા

કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આ ઘટનાના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી હોસ્પિટલમાં રેસીડેન્સી ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે. તબીબી ડૉક્ટરો ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી અડગા રહ્યા હતા અને કોલકતાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ દર્દીઓને ધ્યાનમાં રાખીને ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે.

આજે એમ.પી શાહ મેડિકલ કોલેજ પાસે રેસીડેન્સી ડોક્ટરો એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે સૂત્રોચાર કર્યા હતા. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવ્યું હતું.

રેસિડેન્સી ડોક્ટર દ્વારા મેડિકલ કોલેજથી લઈને જીજી હોસ્પિટલ સુધી રેલી યોજી હતી. સાથે સાથે હોસ્પિટલની અંદર લોબીમાં પણ સૂત્રોચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેસીડેન્સી ડોક્ટરોએ કોલકતામાં ટ્રેની ડોક્ટર પણ દુષ્કર્મ અને હત્યાની ઘટના મામલે તેને ન્યાય મળે તેવી માંગ કરી છે. તેમજ જ્યા સુધી તેને ન્યાય નહીં મળે ત્યા સુધી ઓપીડી સેવા બંધ રાખવામાં આવશે અને માત્ર ઇમરજન્સી સેવામાં જ રેસિડેન્ટ ડોક્ટરો જોડાશે.