રાજકોટમાં જન્માષ્ટમી દરમિયાન ભારે વરસાદ પડતા શહેરમાં પાણીના ભરાવા, નિકાલ કરવા, ડ્રેનેજ લાઇન ઓવરફલો, રોગચાળાની સ્થિતિ, ખાડા, સ્ટ્રીટલાઇટ સહિતની સમસ્યા ઉભી થઇ છે.
આ તમામ સેવાઓ અને કામગીરી એક સપ્તાહમાં પૂર્વવત થાય અને ખાડા બુરાય તે માટે આજે મનપા કચેરીએ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનનાં અધ્યક્ષસ્થાને બેઠક, એક સપ્તાહમાં તમામ સમસ્યા ઉકેલવા અધિકારીઓને આદેશ અપાયા હતા. જેમાં ખાડા બુરવા માટે માઇક્રો કોંક્રીટ પધ્ધતિથી પેચવર્ક કરવા સહિતની સૂચનાઓ શાસકોએ આપી છે.
આજે પ્રથમ વખત લોકોની ફરિયાદો, રજૂઆતો અંગે ચારે વિધાનસભા મત વિસ્તારવાઇઝ ડે. કમિશનર, સિટી ઇજનેરોની હાજરીમાં આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં તાત્કાલીક એક પછી એક સમસ્યા ઉકેલવા માટે આદેશો આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની ભારે વરસાદની પરિર્સ્થિતિ અંગે વખતો વખતની સૂચના મુજબ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ ખડેપગે રહી કામગીરી કરી છે.
શહેરીજનો દ્વારા કરવામાં આવેલ મોટા ભાગની ફરિયાદોનો નિકાલ કરી રહી છે. તો પેન્ડીંગ રહેલ ફરિયાદો અને રજૂઆતો પરત્વે કામગીરી કરવામાં આવી રહી છે.
તેની સમીક્ષા માટે આજે મનપામાં મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા તથા વોર્ડના કોર્પોરેટરો, ડે. કમિશનર, સિટી એન્જિનિયરો, પર્યાવરણ ઇજનેર, વોર્ડ એન્જીનીયરો, ના. પર્યાવરણ ઇજનેર, આરોગ્ય અધિકારી, ડાયરેક્ટર પાર્કસ ગાર્ડન, ફાયર ઓફિસર, વોર્ડના અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ હતી.

