Sports

સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું, કેપ્ટન હરમનપ્રીતે 2 ગોલ કર્યા

ભારત છઠ્ઠી વખત એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે. સોમવારે બીજી સેમિફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું હતું. આ મેચ ચીનના હુલુનબુર સ્થિત મોકી હોકી ટ્રેનિંગ બેઝ પર રમાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત છઠ્ઠી જીત છે.

ભારત માટે કેપ્ટન હરમનપ્રીતે સૌથી વધુ 2 ગોલ કર્યા હતા. તેમના સિવાય ઉત્તમ સિંહ અને જરમનપ્રીતે 1-1 ગોલ કર્યો હતો. દક્ષિણ કોરિયા માટે યંગ જી હુને ગોલ કર્યો હતો. ફિલ્ડ ગોલ માટે જરમનપ્રીતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારત મંગળવારે ફાઇનલમાં યજમાન ચીન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી રમાશે. ચીને પ્રથમ સેમિફાઇનલની પેનલ્ટી શૂટ-આઉટમાં પાકિસ્તાનને 2-0થી હરાવ્યું હતું.

ભારતે મેચની પહેલી જ મિનિટથી કોરિયા પર દબાણ બનાવ્યું હતું. ઉત્તમ સિંહે ક્વાર્ટરની 13મી મિનિટે ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી.

આ પહેલા ભારતે ચોથી અને પાંચમી મિનિટમાં ગોલ કરવાની બે તક ગુમાવી હતી. અહીં અભિષેકે પહેલા રિવર્સ સ્ટિક વડે ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોરિયન ગોલકીપરે શાનદાર બચાવ કર્યો. આ પછી, ઉત્તમ સિંહે ડીની અંદર બોલને ડિફ્લેક્ટ કરીને રાહિલને આપ્યો, જેને રાહિલ ગોલમાં ફેરવવામાં નિષ્ફળ ગયો. આ ક્વાર્ટરમાં કોરિયાને 2 પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જેનો ટીમ ફાયદો ઉઠાવી શકી નહીં.