Gujarat

સેવાસેતુ કાર્યક્રમથી નાગરિકોનો સમય અને ખર્ચ બચે

સ્થળ પર જ યોજનાનો લાભ મળે: ધારાસભ્યશ્રી ઉદયભાઇ કાનગડ

અટલ બિહારી બાજપાઈ ઓડિડોરિયમ ખાતે દસમાં તબક્કાનો મહાનગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી આયુષ્માન કાર્ડ, પી.એમ સ્વ નિધિ યોજના તથા ક્રાંતિ સ્વ સહાય જૂથના લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા.

પ્રજાની લાગણી-માગણી- અપેક્ષા પૂર્ણ કરવા રાજ્ય સરકાર સેવા સેતુ કાર્યક્રમનો યજ્ઞ લઈને નાગરિકોના દ્વારે પહોંચે છે. અરજદારોને એક જ સ્થળ પર જુદી જુદી કચેરીના કર્મચારીઓ દ્વારા સરકારની યોજનાઓ, સેવાઓનો લાભ મળે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે.

ત્યારે રાજકોટ સ્થિત અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ કહ્યું હતું કે, નાગરિકોની સમસ્યાને વાચા આપવાનું કામ વર્તમાન સરકાર કરે છે. દરેક યોગ્ય લાભાર્થીને સરકારી યોજનાની સહાય મળવાની સાથે અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી સ્થળ પર જ થાય તે માટે કાળજી રાખવા તેમણે ઉપસ્થિત કર્મચારીઓને ટકોર કરી હતી.

ધારાસભ્યશ્રી ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું કે, જન સુખાકારી વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. છેવાડાના અંતિમ વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તથા તેઓની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. સેવાસેતુ કાર્યક્રમથી નાગરિકોનો સમય અને ખર્ચ બચે છે, તથા સ્થળ પર જ યોજનાનો લાભ મળે છે.

તાલુકા કે જિલ્લાની કચેરી સુધી અરજદારને જવું પડતું નથી. લોકોની સુખાકારી વધારવા માટેનો આ કાર્યક્રમ છે.

સેવા સેતુ કાર્યક્રમને અનુલક્ષીને જુદી જુદી કચેરીઓ દ્વારા સ્થળ પર જ અરજદારોની સમસ્યાનુ નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ તકે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકરે સ્વાગત પ્રવચન તથા સુરેન્દ્રસિંહ વાળાએ આભાર વિધિ કરી હતી.

કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતા બેન શાહ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દેવાંગ દેસાઇ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે, અગ્રણીશ્રી મુકેશ દોશી, અશ્વિનભાઈ મોલિયા, લિલુબેન જાદવ, દંડક શ્રી મનીષ ભાઈ રાડિયા,  સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.