શાળા કોલેજના ૧૦૦ મીટર વિસ્તારમાં તંબાકુ વેચાણ અટકાવવા કાર્યવાહી કરવા આદેશ
કલેકટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર તેમજ ડી.સી.પી. શ્રી જગદીશ બંગરવાની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં કલેકટરશ્રીએ નશીલા પદાર્થોના સેવન અને તેના વેચાણ પર સખ્ત હાથે કામગીરી કરવા સુચના આપી હતી.
કલેકટરશ્રીએ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશીલા સીરપના વેચાણ પર વોચ રાખવા ડ્રગ્સ વિભાગને કડક સુચના આપી હતી, સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાનું વાવેતર ન થાય તે માટે ખેતીવાડી તેમજ ફોરેસ્ટ વિભાગને ચેકિંગ કરવા અને વિદ્યાર્થીઓમાં યુવા વયે વ્યસનના વધતા જતા પ્રમાણ સામે શાળા કોલેજ આસપાસ ૧૦૦ મીટર વિસ્તારમાં તંબાકુ સંલગ્ન વેચાણ પર સઘન કામગીરી કરવા પ્રાંત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર એ શાળા કોલેજમાં વિદ્યાર્થીઓ માટે નશાકારક પદાર્થ સામે જનજાગૃતિ કાર્યક્રમો વધારવા શિક્ષણ તેમજ આરોગ્ય વિભાગને સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર ડ્રગ્સના દુષણને સખત હાથે ડામી દેવા પ્રયત્નશીલ છે ત્યારે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ પોલીસ વિભાગ કડકાઈથી કામગીરી કરવા એસ.ઓ.જી.વિભાગ કટિબધ્ધ છે.
આ તકે આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન, પ્રાંત અધિકારી સર્વે શ્રી ચાંદની પરમાર, ગ્રીષ્મા રાઠવા, રાહુલ ગમારા, રાજેશ લિખીયા, શ્રી વિમલ ચક્રવર્તી, આર.ટી.ઓ. અધિકારી શ્રી કેતન ખપેડ, શ્રી જે.વી.શાહ, એસ.ઓ.જી.ના અધિકારીશ્રીઓ, સમાજ સુરક્ષા વીભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીશ્રીઓ જોડાયા હતાં.

