Gujarat

જેતપુરમાં સ્વચ્છતા અભિયાનની રૂબરૂ સમીક્ષા

– સખીમંડળની બહેનોને આઈ.સી.સી.ના વર્કઓર્ડર અપાયા

– રાત્રિ તથા દિવસની સફાઈ કામગીરીઘનકચરા નિકાલ સહિતનું નિરિક્ષણ કરી સૂચનો આપ્યા

ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા -૨૦૨૪’ પખવાડિયા અંતર્ગત દેશમાં હાલ ‘સ્વચ્છતા’ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત નગર-ગામના વિવિધ સ્થળોની સફાઈ સાથે નાગરિકોમાં સ્વચ્છતાના સંસ્કાર વધુ દ્રઢ બનાવવા જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યા છે.

સ્વછતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજકોટ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાનીએ ગતરોજ જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારની મુલાકાત લઈને સ્વચ્છતા અભિયાનની સમીક્ષા કરી હતી. તેમણે નગરપાલિકાની જુદી જુદી ઓફિસોની મુલાકાત લીધી હતી તેમજ ઘનકચરા સાઈટની મુલાકાત લઈને ત્યાં એમ. આર. એફ. સેન્ટર, ઓ.ડબલ્યુ.સી.મશીન તથા લિગસી કચરા અને સાયન્ટિફિક લેન્ડફિલ સાઇટ વિગેરેનું નિરીક્ષણ કરી સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ જરૂરી સૂચનો આપ્યા હતા.

આ ઉપરાંત પ્રાદેશિક કમિશનરશ્રીના હસ્તે એસ. એમ. એન્ડ આઈ. ડી. ઘટક હેઠળ સ્વસહાય જૂથના સખીમંડળના બહેનોને કચરાના વર્ગીકરણ માટે આઈ.ઈ.સી. કામગીરીમાં જોડાવાના વર્કઓર્ડર આપવામાં આવ્યા હતા. ઉપરાંત આ બાબતે તેમણે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. બાદમાં રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પ્રાદેશિક કમિશનરશ્રીએ આજરોજ સવારે વોર્ડની સફાઈનું નિરીક્ષણ કર્યું હતું. તથા પ્લાસ્ટિક જપ્તી ડ્રાઇવમાં રોટરી કલબ, જી.પી.સી.બી. જેતપુર તથા નગરપાલિકા સ્ટાફ સાથે જોડાઈને સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ શહેરની સ્પેસ સ્કૂલનાં વિદ્યાર્થી તથા સ્ટાફ દ્વાર રાખવામાં આવેલી સફાઈ તથા રંગોળી અને ચિત્ર સ્પર્ધાની મુલાકાત લેવામાં આવી હતી. પ્રાદેશિક કમિશનરશ્રીએ વિવિધ બાબતો અંગે નગરપાલિકાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એ પછી નગરપાલિકા દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.