Gujarat

મનપાના ચોપડે અઠવાડિયામાં ડેન્ગ્યુના 20 સહિત એક માસમાં 110, મેલેરિયાના 8 કેસ પરંતુ હકીકતમાં હજારો દર્દીઓ

રાજકોટ શહેરમાં દિવાળી પૂર્વે જ રોગચાળો વકર્યો છે. મહાનગરપાલિકાના ચોપડે જ છેલ્લા 1 અઠવાડિયામાં ડેન્ગ્યુના 20 સહિત 1 માસમાં 110 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 8 તો ચિકનગુનિયાના 3 દર્દી સામે આવ્યા છે.

આતો રાજકોટ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા કેસો છે, પરંતુ જો ખાનગી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ ઉપર નજર કરીએ તો તેનો આંકડો હજારોમાં છે. જોકે, નૂતન વર્ષમાં જ રોગચાળો ફેલાતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 21થી 27 ઓક્ટોબર દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિતની 360 ટીમો દ્વારા 93,338 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 5,637 ઘરોમાં ફોગીંગ કામગીરી કરી છે.