Gujarat

જેતપુરની જેતલસર ચોકડી પાસેથી એક ગોડાઉનમાંથી મોટી માત્રામાં અંગ્રેજી દારૂ પકડીપાડતી તાલુકા પોલીસ

જેતપુર તાલુકા પોલીસે પૂર્વે બાતમીને આધારે જેતલસર ચોકડી પાસે એક ગોડાઉનમાં છાપો મારી 5940 અંગ્રેજી દારૂની બોટલ કિંમત રૂપિયા 11,76,372નો દારૂ પકડી પાડયો હતો. દિવાળી પૂર્વે મોટી માત્રામાં અંગ્રેજી દારૂ પકડાતા અસંખ્ય પ્યાસીઓની દિવાળી બગડી ગઈ હતી.
તાલુકા પોલીસના દિવાળી નિમિતે આજે પેટ્રોલીંગ દરમિયાન તાલુકા પીઆઇ અજીતસિંહ હેરમા, એએસઆઈ ભૂરાભાઇ માલિવાડ અને હેડ કોન્સ્ટેબલ અજિતભાઈ ગંભીરને અંગ્રેજી દારૂ અંગેની બાતમી મળી હતી. મળેલ બાતમીને આધારે બાતમીવાળા સ્થળ જૂનાગઢ રોડ જેતલસર ચોકડી પાસે જલસાગર પેટ્રોલપંપની બાજુમાં આવેલ એક ગોડાઉનમાં છાપો માર્યો હતો. છાપો મારતા બાતમીમાં મળેલ હકીકત ખરી નીકળી હતી અને પોલીસને આશા કરતા અનેકગણો દારૂનો ખૂબ મોટો જથ્થો મળી આવ્યો હતો.
તાલુકા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી પોલીસ સ્ટેશને લાવી ગણતરી કરતા જુદીજુદી બ્રાન્ડની 5940 બોટલ મળી આવી હતી જેની કુલ કિંમત 11,76,372 રૂપિયાની થવા પામે છે. પકડાયેલ દારૂ અંગે ગોડાઉન માલીક ધવલ રસિકભાઈ સાવલિયા રહે, નાગડકા તાલુકો ગોંડલ વિરુદ્ધ પ્રોહીબિશન હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં. દિવાળી જેવો તહેવાર કે જેમાં મોટા ભાગના પ્યાસીઓ દારૂની પાર્ટી કરી દિવાળી ઉજવતા હોય તેવા પ્યાસીઓ આટલો દારૂ પકડાતા હવે થોડી ઘણી દારૂની તંગી મહેસુસ કરશે.