ભાઈબીજના તહેવાર પર રાજ્યમાં ત્રણ ગોઝારા અકસ્માત સર્જાયા છે. સુરતના માંગરોળના વાંકલ નજીક એકસાથે છ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨ કાર અને ૪ બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટનામાં ૨ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ-મોસાલી સ્ટેટ હાઇવે પર શનિવારે ઇનોવા કાર, ઇકો કાર અને ચાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માંગરોળ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે ટોળું એકઠું થઈ ગયું હતું.
ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની રોડ ઉપર કરચોન ગામ પાસે ટર્નિંગ ઉપર ખાનગી ટ્રાવેલ્સની એક બસની બ્રેક ફેઈલ થતા બાજુમા આવેલા ઝાડ સાથે બસ અથડાવી બસ રોકવાની પ્રયાસ કર્યો હતો.
જેમાં બસમાં સવાર ૧૦થી વધુ યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બસમાં સવાર ક્લીનર ચાલુ બસે કૂદી જતા ટાયર નીચે આવતા ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી -અમદાવાદ હાઇવે પર કાર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યકિતનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. જ્યારે આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડવાની સાથે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.

