૧૦૦ ટકા નિશુલ્ક હેલ્થ કેર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાઓથી મુખ્યમંત્રી પરિચિત થયાં
છેલ્લા દસ વર્ષથી અવિરત દર્દીનારાયણની સેવા એ પણ સંપૂર્ણ નિશુલ્ક
સાવરકુંડલા ખાતે આજરોજ આરોગ્ય ક્ષેત્રે સેવારત વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (૧૦૦ ટકા નિશુલ્ક) ની સેવા અભિયાનની સુવાસ ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચી. આજરોજ સાવરકુંડલા ખાદી કાર્યાલય પાસે આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લેતાં આ હોસ્પિટલમાં થતી તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ એ પણ નિશુલ્ક પ્રત્યક્ષ નિહાળીને ખૂબ પ્રભાવિત થયા હતા.

આ તકે માનનીય મુખ્યમંત્રીએ આ સંસ્થાની સરાહનીય કામગીરીને ખૂબ બિરદાવેલ અને આ સંદર્ભે તમામ ટ્રસ્ટીગણ તથા કર્મચારી ગણની સેવાભાવનાને પણ બિરદાવી હતી. આમ ગણીએ તો સાવરકુંડલાની આ હોસ્પિટલ કોર્પોરેટ હોસ્પિટલોને પણ ટક્કર મારે તેવી આરોગ્ય સુવિધાઓથી સુસજ્જ છે. વળી એ પણ નિશુલ્ક.. આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવી અને તેને સતત કાર્યરત રાખવી એ પણ ઘણું કપરું કામ છે.

પરંતુ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલાના પ્રમુખ હરેશભાઈ મહેતા મંત્રી દિવ્યકાંતભાઈ સૂચક તથા તમામ ટ્રસ્ટીગણ સંસ્થાના વિકાસ માટે અહર્નિશ પ્રયત્નશીલ રહે છે. આ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો પ્રકાશ કટારીયાની દેખરેખ હેઠળ સમગ્ર કર્મચારીગણ સેવાભાવથી પોતાની ફરજ બજાવતાં જોવા મળે છે. છેલ્લા દસ વર્ષથી અવિરત દર્દીનારાયણની સેવા એ પણ સંપૂર્ણ નિશુલ્ક ચલાવવી એ ખરેખર પડકારજનક કાર્ય છે પરંતુ હૌસલા બુલંદ હૈં, તો કુદરત ભી સાથ દે. એ ન્યાયે પૂર્ણ નિષ્ઠા ભાવથી માત્ર સેવા એ જ સમર્પણના ન્યાયે તમામ ટ્રસ્ટી ગણ અને હોસ્પિટલના કર્મચારીગણ આરોગ્ય ક્ષેત્રના આ અભાયાનમાં કદમ સાથે કદમ મિલાવી સંસ્થાનું કાર્ય અને ભવિષ્ય કેમ વધુ ઉજ્જવળ બને તે અંગે સતત પ્રયત્નશીલ રહે છે.

આ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે મેડિસિન, અતિ આધુનિક આઈ સી યુ, આંખ વિભાગ, હાડકાં નો વિભાગ, કેન્સર વિભાગ,બાળકોના વિભાગ, ઓપરેશન થિયેટરની આધુનિક સેવાઓની માનનીય મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી અને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓથી અત્યંત પ્રભાવિત થયા હતા. માનનીય મુખ્યમંત્રીની આ હોસ્પિટલના મુલાકાત સમયે અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, જે.વી કાકડીયા, કૌશિકભાઈ વેકરીયા, જનકભાઇ તળાવિયા વગેરે પણ સાથે રહ્યા હતાં
બિપીન પાંધી

