ઠાકોરજીની લગ્ન વિધિ સાથે સાથે સાથે આઠ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા.
આ પ્રસંગે ચલાલા તેમજ કમી કેરાળાના રાજકીય અગ્રણીઓ સમેત વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહીને નવદંપતિઓને લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી.
આ માંગલિક પ્રસંગે ધારી બગસરાના ધારાસભ્ય જે. વી. કાકડીયા અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતાં પરંતુ નવદંપતિઓના નવપલ્લવિત જીવન માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
ચલાલામાં ધારી રોડ પર આવેલ શ્રી શિવસાંઇ મંદિર શનિદેવ મંદિર ખાતે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ સુરતના સહયોગથી શિવસાંઇ ગ્રુપ ચલાલા દ્વારા તુલસી વિવાહ સાથે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગતરોજ સાંજે સાડા છ આસપાસના ગાળામાં કમી કેરાળા ગામના રામજી મંદિરે થી ઠાકોરજીની જાન અહીં ચલાલા ખાતે વાજતે ગાજતે આવી પહોંચી. જાનનું સ્વાગત પણ હૈયાના હેતથી કરવામાં આવેલ. જાન આગમન પ્રસંગે ઉપસ્થિત તમામના હૈયે હરખ સમાતો ન હતો.

સાથે સાથે આઠ નવદંપતિઓના વિવાહ પ્રસંગ પણ યોજાયા હતા. જાનૈયાઓના અને કન્યા પક્ષના લોકો પણ આ પ્રસંગને વધાવવા ભારે હર્ષાતુર જોવા મળ્યા હતાં શિવસાંઇ ગ્રુપ ચલાલા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમાં સમૂહલગ્નનું આયોજન પણ આ સેવાકીય પ્રવૃત્તિઓ પૈકીનું એક છે. આ ગણીએ તો આ તુલસી વિવાહ સાથે સમૂહ લગ્નનું આયોજન ખરેખર ધ્યાનાકર્ષક પ્રસંગ ગણાય. ખૂબ જ જ્વલ્લે જોવા મળતાં પ્રસંગ પૈકીનો એક પ્રસંગ ગણી શકાય. લુપ્ત થતી ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન આ પ્રસંગને મહત્તમરીતે માણવો એ પણ જીવનનો અણમોલ લ્હાવો જ ગણાય.

એક તરફ તુલસી વિવાહ ઠાકોરજી પરણે. તો બીજી તરફ આશાસ્પદ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડે એ અદભૂત સમન્વયનું તાદ્દશ ચિત્રની અનુભૂતિ કરવી એ પણ જીવનનો અણમોલ લ્હાવો જ ગણાય.
આમ તુલસી વિવાહ સાથે સમૂહ લગ્નનાં અદભૂત દ્રશ્યો ખૂબ જવલ્લે જોવા મળે તેવી તસવીરો હ્દયમાં કંડારાયેલ. અર્થાત દિવ્ય અનુભૂતિ સાથે સંસાર જીવન ચક્રની અનોખી ઘટમાળ..!! ઠાકોરજીની જાજરમાન જાન સાથે શરણાઈના સૂર રેલાયા. તો કન્યા પધરાવો સાવધાન ના મંગલ મંત્રોચ્ચાર સાથે નવદંપતિઓની વિવાહ વિધિ યોજાઈ. ખૂબ નોંધનીય બાબત તો એ હતી કે અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોમાં તુલસી વિવાહ પ્રસંગ તો ઉજવાય છે. ખાસકરીને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ એ તુલસી વિવાહ પ્રસંગ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ધામધૂમથી ઉજવાય છે.

પરંતુ ચલાલા ખાતે શિવસાંઇ ગ્રુપ ચલાલા દ્વારા આયોજિત તુલસી વિવાહ સાથે સમૂહ લગ્નનું આયોજન એ ખરેખર અનેરો પ્રસંગ ગણાય..!!આ શિવસાંઇ ગ્રુપ દ્વારા આ ૪૨ માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શિવસાંઇ મંદિરના પુજારી રાજુભાઈ જાની, લલીતભાઇ મહેતા, પિયુષભાઈ વિભાણી, મિતેશભાઇ ભટ્ટ, કમી કેરાળા ગામના નરેશભાઈ માંગરોળીયા રામજી મંદિરના મહંત પુજારી ગુણવંતદાસ ગોરધનદાસ તથા કમી કેરાળા સમસ્ત ગામ સમેત ગ્રુપના શિવસાંઇ ગ્રુપ ચલાલાના તમામ કાર્યક્તાઓ દ્વારા પ્રસંગને યાદગાર બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પ્રસંગે ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કારીયા, ભૈયલુભાઇ વાળા, ચંપુભાઈ ધાધલ, ચીમનભાઈ વિઠલાણી, સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી, ગોપાલગ્રામના પ્રતાપભાઇ વાળા, પત્રકાર બિપીનભાઈ રાઠોડ અશોકભાઈ જોષી ભુપતભાઈ બારોટ, ધમાભાઈ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બિપીન પાંધી

