Gujarat

બોપલમાં ક્રાઈમ બ્રાન્ચે MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર લોકોની ધરપકડ કરી

બોપલ ખાતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે તો હત્યારાને લઈને બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે,ઘટના સ્થળે જઈ આરોપીનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીને છરીના ઘા ઝીકનારને પોલીસે ચાલવા જેવો પણ ન રાખ્યો. દોરડા બાંધીને આરોપીને ઘટનાસ્થળે લઇ આવવામાં આવ્યો હતો. બોપલમાં જ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની ૧૩ નવેમ્બરે પંજાબની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે.

હવે તેની કારમાં બીજી એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે આરોપી વિરેન્દ્રસિંહને પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી હતી. આરોપીના હાથ પર દોરડા બાંધેલા હતા. તેમજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આજે બપોરે પોલીસ ટીમ કાફલા સાથે આરોપીને લઇને બોપલ પહોંચી હતી, આ દરમિયાન આરોપી વિરેન્દ્રસિંહ સતત રડતો હતો, અને પોતાની ગુનાની માફી માંગી રહ્યો હતો. વિદ્યાર્થીની હત્યા કરી તેના પર અફસોસ વ્યક્ત કરી રહ્યો હતો.

રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને દોરડા સાથે બાંધીને બોપલના રસ્તાં પર ફેરવવામાં આવ્યો હતો. પોલીસે રિકન્સ્ટ્રક્શન કરીને સમગ્ર ઘટનાના પુરવાઓ વધુ મજબૂત રીતે એકત્રિત કર્યા હતા. પોલીસ અધિકારીઓ આરોપી વિરેન્દ્રસિંહ પાસેથી સમગ્ર ઘટના અંગે માહિતી લઇ રહ્યાં છે, જેમાં કઇ રીતે કાર ચલાવી, કેટલી સ્પીડમાં કાર હતી, વિદ્યાર્થીઓ સાથે કઇ રીતે માથાકૂટ થઇ, ચપ્પૂના ઘા ક્યાં અને કેવી રીતે માર્યા. ત્યાં તે સમયે કોણ કોણ હતુ વગેરે.

આરોપી ભલે પોલીસ કર્મી હોય પરંતુ તેની સાથે ગુનેગાર જેવું જ વર્તન થશેઃ વિકાસ સહાય બોપલ ખાતે બનેલા હત્યાના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા પંકજભાઈ જૈન સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ટેલીફોનીક વાત કરી શોક વ્યક્ત કર્યો છે. વિકાસ સહાયે મૃતક યુવાનના પિતાને આશ્વાસન આપ્યું છે કે, ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે.

ગુનેગાર પોલીસ કર્મી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે. પોલીસ કર્મી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો તે વાતનો ખેદ વ્યક્ત કરી વિકાસ સહાયે મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી છે.